ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાતાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 15 દિવસ સુધી છૂટકારો નહીં
Gujarat News: ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદલાતાં રોગચાળો ફેલાયો છે. મોટાભાગના ઘરોમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. એવામાં આરોગ્ય વિભાગના સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, હજુ 15 દિવસ સુધી લોકોને રોગચાળામાંથી છૂટકારો નહીં મળી શકે.
ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશ્નર અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ રોગચાળાની સ્થિતિ અંગે માહિતી રજૂ થઈ હતી. રાજ્યમાં હાલ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાયો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા વાહક રોગો તેમજ કોલેરા, ઝાડા-ઉલટી જેવી બીમારીઓની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. હજુ થોડા દિવસ ડેન્ગ્યુ માટે સર્વેલન્સ ચાલુ રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં સિઝનલ ફ્લુ તેમજ ઝાડા-ઉલ્ટી, કોલેરા અને ટાઇફોઇડના લક્ષણો પણ વધ્યા છે.
આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, અગાઉના વર્ષોની સરખામણીએ રોગચાળાની માત્રામાં ઘટાડો થયો છે. વધુ વરસાદ થયો છે તે જિલ્લામાં રોગોની પરિસ્થિતિ કંટ્રોલમાં જોવા મળી છે. હાલ ગુજરાતમાં સિઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ઘ્યાનમાં લેતાં હજી વધુ 15 દિવસ સુધી ડેન્ગ્યુ નિવારણ માટે સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને પ્રચાર-પ્રસારના કામો વધુ સઘન બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ બે અજાણી મહિલાઓને મદદ કરવા જતા મહિલાએ 2.35 લાખના સોનાના દાગીના ગુમાવ્યા
ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા માટે જવાબદાર એડીસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડતાં હોવાથી પાણીના પાત્રો ઢાંકીને રાખવા, સ્વચ્છતા કાર્યક્રમમાં ઝાડી-ઝાંખરા દૂર કરવા અને કોઈપણ જગ્યાએ પાણી એકઠું ન થાય તેની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સવાર અને સાંજે બારી બારણા બંધ રાખવા તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરવા તાકીદ કરાઈ છે.