ઉનાળું વેકેશન શરૂ થતાંની સાથે જ પરિવાર સાથે નાનકડી પિકનિક પ્લાન કરી રહ્યા છો? ચાલો નજર કરી લો ગુજરાતના ટોપ ટેન પિકનિક સ્પોટ પર.

તારંગા : મહેસાણાના સતલાસણામાં આવેલું એક હિલ સ્ટેશન. અહીંની 1200 ફૂટ ઉંચી ટેકરી અને અન્ય પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો પણ આવેલા છે. જૈન લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર.

સફેદ રણ, કચ્છ : માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર. ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવો નજારો. શીતળ ચાંદનીમાં રણની મજા કંઈક અલગ જ જોવા મળે છે.

સાપુતારા : ડાંગના સાપુતારાની ભવ્ય પહાડીઓ મન મોહી લે તેવી છે. પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય. સાપુતારાથી થોડે દૂર ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર.

નળ સરોવર : અમદાવાદમાં આવેલું નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. 200થી વધુ પ્રકારના પક્ષીઓ આ તળાવમાં વસે છે, જેથી પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન.

પોળોનું જંગલ : સાબરકાંઠામાં આવેલું સુંદર વન ડે પિકનિક સ્પોટ. તમે બારેય મહિના પોળોના જંગલમાં આવી શકો. ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીંની હરિયાળી જોઈ મન પ્રફૂલ્લિત થઈ જશે.

જાંબુઘોડા : પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા વાંસ, મહુડા, સાગથી લદાયેલું વનસ્પતિસભર અભયારણ્ય છે. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. પિકનિક માટેનું ઉત્તમ સ્થળ.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : નર્મદા કાંઠે આવેલા પ્રકૃતિસભર આ સ્થળને કોણ નથી ઓળખતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અહિં આવેલી છે. સાથે જ લેઝર શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર જેવા જોવાલાયક સ્થળો પણ.

પીરોટનના ટાપુ : ત્રણ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ અને મેન્ગ્રોવના જંગલ છે. સમુદ્રમાં હોવાને લીધે ત્યાં જવા માટે ઘણી પરવાનગી મેળવવી પડે છે.

બાકોર : ફેમિલી સાથે એક દિવસીય પિકનિક પર જઈ શકાય તેવું ટેકરીઓ અને ઝરણાઓથી લદાયેલું મહિસાગર જિલ્લામાં આવેલું સ્થળ. મન મોહી લે તેવો સન સેટ પોઈન્ટ. એકવાર અચૂક જવા જેવું સ્થળ.

ગીરનું જંગલ : પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી જો પ્રકૃતિના સાનિધ્યમાં જીવવા માગતા હોવ તો આ સ્થળ તમારા માટે ઉત્તમ છે. એશિયામાં માત્ર ગીર અભ્યારણમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે.

More Web Stories