Get The App

ગુજરાતમાં સ્કૂલ શિક્ષણ રામભરોસેઃ વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસના ભોગે ડમી સ્કૂલોનું આધિપત્ય

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
entire school handed over to coaching classes in Ahmedabad
Image : AI

Gujarat School Eductaion: અમદાવાદના ઘાટલોડિયા અને રાણીપ વિસ્તારમાં કેટલાક ટ્રસ્ટી અને આચાર્યોએ પોતાની સ્કૂલના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને છૂટા કરીને સંપૂર્ણ કોચિંગ ક્લાસીસને હવાલે કરી દીધી છે. આ સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓનો સમય અને ફી પણ કોચિંગ ક્લાસીસ દ્વારા નક્કી થાય છે. બાદમાં તેમને સ્કૂલમાં જવાને બદલે સીધા જ કોચિંગ તરફ વાળી દેવાય છે. આ દુષણ માટે સ્કૂલ સંચાલકો, આચાર્યો ઉપરાંત વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. શિક્ષણના જાણકારોના મતે, ગુજરાતમાં સ્કૂલ શિક્ષણ રીતસરનું રામભરોસે છે અને ડમી સ્કૂલોનું આધિપત્ય સતત વધી રહ્યું છે. 

વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય છે

હાલમાં વિજ્ઞાન પ્રવાહમાં ચાલી રહેલા ડમી કલ્ચરને કારણે લગભગ ગુજરાતમાં મોટા ભાગના નાના-મોટા સેન્ટરોમાં વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય અને ભણવા માટે કોચિંગ ક્લાસમાં જાય એ વાત સર્વવિદિત છે. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા માળ્યું છે કે શાળા મેનેજમેન્ટમાં જ કોચિંગ ક્લાસીસનું સંપૂર્ણ આધિપત્ય સ્વીકારી રાણીપ, ઘાટલોડિયાની કેટલીક શાળાઓએ પણ અમદાવાદમાં એક નવા પ્રકારની પ્રાઈવેટ શિક્ષણ વ્યવસ્થા પોતાની રીતે સરકારની શેહશરમ રાખ્યા વિના જ ચાલુ કરી દીધી છે. આ અંગે જાણવા હોવા છતાં પણ જિલ્લા શિક્ષણાધિકારી પણ આંખ આડા કાન કરતા હોય તેવું જણાય છે.

આ પણ વાંચો : ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો

ડમી શાળાઓના વિદ્યાર્થીઓમાં તણવાનું પ્રમાણ વધારે

આ અંગે અમદાવાદના એક જાણીતા સાઈકિયાટ્રિસ્ટ જણાવે છે કે હમણાં જે બાળકોના કેસ આવી રહ્યા છે. તેમાં ધો. 11-12ના વિદ્યાર્થીઓમાં જ મોટા ભાગે વધુ તણાવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ડમી સ્કૂોલના વિદ્યાર્થીઓનું પ્રમાણ વિશેષ છે. લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસના દબાણના કારણે કે તેમની ગમતી પ્રવૃત્તિ ન કરી શકવાને કારણે કાઉન્સેલિંગ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું ટેન્શન વધે છે, પરંતુ તેઓ નિષ્ક્રિય થઈ જાય છે. આવા બાળકોને અમે થોડા દિવસ અભ્યાસ છોડીને બીજી ગમતી પ્રવૃત્તિઓ કરવાનું જણાવીએ છીએ, જેથી બાળક નોર્મલ બને. ડમી સ્કૂલના વિદ્યાર્થીઓ માર્ક્સ સારા લાવે તો પણ તેમની પર્સનાલિટીમાં ડિસઓર્ડર વિશેષ જોઈ શકાય છે. 

સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે : રાજુભાઈ ગઢવી

આ અંગે વાત કરતાં દીવાન બલ્લુભાઈના નિવૃત ઈનચાર્જ આચાર્ય રાજુભાઈ ગઢવી જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે. કોચિંગ ક્લાસીસમાં આ શક્ય જ નથી. માત્ર માર્કસ લાવવા પૂરતી માનસિક્તા વિદ્યાર્થીઓને નુકસાન કરી રહી છે. કિશોરાવસ્થામાં ધોરણ 11-12 મહત્ત્વના વર્ષ છે, પરંતુ આ વર્ષોમાં બાળકોમાં નેતૃત્વ, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આગવું મહત્ત્વ છે. કિશોરાવસ્થામાંથી બાળકને માત્ર અભ્યાસ તરફ જ વાળી દેવાય, તો તેની અનેક વિપરિત અસરો તેમના માનસ પર પડી શકે છે.

ગુજરાતમાં સ્કૂલ શિક્ષણ રામભરોસેઃ વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસના ભોગે ડમી સ્કૂલોનું આધિપત્ય 2 - image


Google NewsGoogle News