અમદાવાદ ફાયર વિભાગમાં સન્નાટો , ચીફ ફાયર,એડીશનલ, ડેપ્યુટીચીફ ઓફિસરની યાદીમાં કોઈનો સમાવેશ નહીં
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પરીક્ષા આઈ.આઈ.ટી.ગાંધીનગર ખાતે લેવાઈ હતી
અમદાવાદ,મંગળવાર,24 સપ્ટેમ્બર,2024
અમદાવાદ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર ઉપરાંત એડીશનલ તથા
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ભરવા
યોજાયેલી પરીક્ષા પછી અમદાવાદ ફાયર વિભાગના એકપણ ઓફિસરની પસંદગી નહીં કરાતા ફાયર
વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની આઈ.આઈ.ટી.ગાંધીનગર
ખાતે લેખિત પરીક્ષા લેવામા આવી હતી.
અમદાવાદ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર ઉપરાંત એડીશનલ ચીફ
ફાયર ઓફિસરની એક તથા બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ભરવા મ્યુનિસિપલ
કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન બહારની એજન્સી દ્વારા
પરીક્ષા લેવામા આવી હતી.હાલના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા ઉપરાંત એડીશનલ
ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ઉપરાંત સ્ટેશન ઓફિસર નૈતિક ભટ્ટે પણ અનુક્રમે ચીફ
ફાયર ઓફિસર ઉપરાંત એડીશનલ ચીફ ફાયર ઓફિસર તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે
પરીક્ષા આપી હતી.ચીફ ફાયર ઓફિસરની જગ્યા તથા એડીશનલ ચીફ ફાયર ઓફિસરની એક-એક જગ્યા
માટે અનુક્રમે છ-છ ઉમેદવારોને તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની બે જગ્યા માટે કુલ ૧૧
ઉમેદવારોને ૨૬ સપ્ટેમ્બરે કોલલેટર સાથે હાજર રહેવા સુચના અપાઈ છે.આ ઉમેદવારોમાં
અમદાવાદ ફાયર વિભાગના એકપણ ઉમેદવારની પસંદગી કરાઈ નથી. અમદાવાદ ફાયર વિભાગના નવ
અધિકારીઓને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો વિવાદ હજુ ચાલુ છે ત્યાં ફાયર વિભાગ માટે
બીજા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.