છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા, ચૂંટણી સમયની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
Kuldeep Rathva Murder : છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી છે. ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગામના જ બે વ્યક્તિએ હત્યાને અંજામ આપ્યો હતો. જેમાંથી એક આરોપીની પોલીસે અટકાયત કરી છે.
મોડી રાત્રે બે લોકો મોટર સાયકલ પર આવ્યાં અને કુલદીપ રાઠવા પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં. આ બે વ્યક્તિ શંકર રાઠવા અને રેવજી રાઠવા હોવાનો આરોપ લગાવાયો છે. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક કુલદીપ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતે હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. કુલદીપ રાઠવાના મૃતદેહને PM માટે ક્વાંટ ખાતેની હોસ્પિટલ મોકલાયો છે.
આ પણ વાંચોઃ 10 વર્ષ પહેલાં બનેલા EWSના 1664 આવાસ તોડાયા છતાં શાસકોનો સાવ અજાણ હોવાનો ડોળ
રામસિંહ રાઠવાએ આપ્યું નિવેદન
સમગ્ર ઘટના બાબતે રામસિંહ રાઠવાએ કહ્યું કે, 'હાલ ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર્તા હતો. તેને કોઈની સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેના વિશે ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે અને તેને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસે ગઈકાલ રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે.'
પોલીસે આપી સમગ્ર માહિતી
સમગ્ર હત્યાની તપાસ કરી રહેલાં એસપીએ જણાવ્યું કે, 'મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ થઈ રહી છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. જેની પીપલદી ગામની નજીકના અન્ય એક ગામમાંથી અટકાયત કરવામાં આવી છે.'
આરોપી શંકર રાઠવા |
આ પણ વાચોઃ સિંહ દર્શન કરવા ઇચ્છતા લોકો માટે ગુડ ન્યુઝ, આ તારીખથી ખુલશે ગીર વન્યપ્રાણી અભયારણ્ય
કોંગ્રેસે કર્યાં સવાલ
હત્યાની ઘટના મામલે કોંગ્રેસે ભાજપને ગંભીર સવાલો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ આ વિષય પર વાત કરતાં કહ્યું , આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને છાસવારે આવી ઘટનાઓ બની રહી છે.