વર્ષમાં 50 ગુજરાતીના મોત, કારણ- શ્વાન સહિતના પ્રાણીઓ કરડ્યા, 'રેબિઝ ડે' પર ચોંકાવનારો રિપોર્ટ
World Rabies Day: તબીબી વિજ્ઞાન સતત હરણફાળ ભરી રહ્યું હોવા છતાં ગુજરાતમાં શ્વાન સહિતના પ્રાણી કરડ્યા બાદ હડકવાથી મૃત્યુ થવાનું પ્રમાણ યથાવત્ છે. એક વર્ષમાં 50 વ્યક્તિઓએ હડકવાના કારણે જીવ ગુમાવ્યાના કેસ સામે આવ્યા છે. વર્ષ 2021માં ગુજરાતના શહેરોમાંથી 26 અને ગામડામાંથી 24 વ્યક્તિઓનું હડકવાના કારણે મોત થયા છે. જેમાં ગામડામાં 16 પુરુષો અને 8 મહિલાઓએ તેમજ શહેરમાં 18 પુરુષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.
પ્રાણીઓના કરડવાથી થયા મોત
દર 28 સપ્ટેમ્બરના રોજ 'વર્લ્ડ રેબિઝ ડે' ઉજવવામાં આવે છે. લોકસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર, 2022માં ગુજરાતમાંથી 6 વ્યક્તિના હડકવાથી મૃત્યુ થયા હતા. તજજ્ઞોના મતે રેબિઝ એક વાયરલ રોગ છે, જે પ્રાણીઓના કરડવાથી થાય છે. દર્દીના શરીરમાં પ્રવેશ્યા પછી હડકવાના વાયરસ ચેતાતંત્ર પર હુમલો કરે છે. તેનાથી દર્દીના માથા તથા કરોડરજ્જુમાં સોજો આવે છે.
આ પણ વાંચોઃ 25 બ્રિજ બનાવવા કોન્ટ્રાક્ટર પર અંદાજ કરતાં રૂ. 212 કરોડ વધારે લૂંટાવ્યા, AMCના ગોટાળા!
કેવી રીતે થાય છે આ રોગ?
હડકવા મુખ્યત્વે જંગલી પ્રાણીઓમાં અને અમુક અંશે પાળેલા પ્રાણીઓમાં જોવા મળે છે. આ રોગ હડકવાથી સંક્રમિત પ્રાણીઓની લાળ દ્વારા ફેલાય છે. એનસીડીસીના અહેવાલ પ્રમાણે રેબિઝ વાયરસ પ્રાણી કરડવાથી, અંગ પર નખ મારવાથી અને માણસના શરીર પરના ઉઘાડા જખમ પર પ્રાણી ચાટે તો તેની લાળ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે.
ભારતમાં હડકવા થયાના 95 ટકા કિસ્સામાં શ્વાન કારણભૂત હોય છે. બિલાડી અને શિયાળ અથવા મંગૂસ (નોળિયો) કરડવાને કારણે થતાં હડકવાનું પ્રમાણ અનુક્રમે બે અને એક ટકા છે.