દેવ દિવાળીને લઈ રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનના દર્શન કરી તહેવાર ઉજવ્યો
Dev Diwali Festival: આજે દેવ દિવાળીનો પર્વ છે. હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવ દિવાળીના પર્વ પર ભક્તો વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતાં. વહેલી સવારથી જ ગુજરાતના મુખ્ય મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. દેવ દિવાળીની વહેલી સવારથી જ અંબાજી, શામળાજી, ચોટીલા અને પાવાગઢ જેવા મંદિરોમાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતીઓ મોટાભાગે તહેવારોની શરૂઆત માતાજીના દર્શનથી કરતાં હોય છે. ત્યારે દેવ દિવાળીના પર્વે વહેલી સવારથી જ માઈ ભક્તો અંબાજી પહોંચી ગયાં હતાં અને વહેલી સવારની આરતીનો લાભ લીધો હતો. વહેલી સવારથી જ અંબાજી 'બોલ માડી અંબે... જય જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આ અદ્ભૂત દ્રશ્યને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને દેવ દિવાળીની શુભકામના પાઠવી હતી.
ચોટીલામાં ઉમટ્યા ભક્તો
આ સિવાય સુરેન્દ્રનગર ખાતે આવેલું યાત્રાધામ ચોટીલામાં પણ દેવદિવાળીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. માઇ ભક્તોએ ચામુંડા માતાના દર્શથી દેવ દિવાળીના પર્વની શરૂઆત કરી હતી. દેવ દિવાળીના નિમિતે મંદિરમાં એક અલગ જ ઉલ્લાસ અને આનંદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યાં છે.
શામળિયાના દર્શનનો લીધો લાભ
દેવદિવાળીના પર્વ પર યાત્રધામ ડાકોરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકોએ શામળિયાના દર્શનથી ધન્યતા અનુભવી પોતાના તહેવારની શરૂઆત કરી હતી. ડાકોર શામળાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.