ગાયને રાજ્યમાતાના દરજ્જાની માગ વચ્ચે ગૌરક્ષાની ફક્ત વાતો, સબસિડીમાં ગુજરાત ઘણું પાછળ
Image: Freepik |
Gujarat Gaumata Subsidy: ગુજરાતમાં ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ દૈનિક રૂપિયા 30ની સબસિડી મળે છે. જેની સરખામણીએ ગોવામાં 150 રૂપિયા, ઉત્તરાખંડમાં રૂપિયા 80, મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશમાં રૂપિયા 50ની સબસિડી આપવામાં આવે. આમ, એક તરફ ગુજરાતમાં ગૌસંરક્ષણની વાતો કરવામાં આવે છે પણ વાત સબસિડીની આવે તો તેમાં તે ઘણું પાછળ છે.
પશુ દીઠ 30 રૂપિયા સબસિડી
દેશના વિવિધ રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતો-પશુપાલકોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રકારની સબસિડી અપાય છે. જીવદયાપ્રેમીઓના મતે તમામ રાજ્યોમાં આ સબસિડી નીતિનો સમગ્રપણે અમલ કરવામાં આવે તો તે દેશમાં રખડતા અબોલ પશુની સમસ્યા હલ કરી શકે છે. હાલ ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળાઓને પ્રતિ પશુ દીઠ 30 રૂપિયાની સબસિડી અપાય છે અને તે વધારીને 100 રૂપિયા કરવાની માગ પ્રબળ બની છે.
આ પણ વાંચોઃ ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં રૂ. 500 કરોડ ખર્ચશે, જાણો દેશ-વિદેશમાં તેમની પસંદગીના સ્થળ
ગૌમાતાને રાજ્યમાતા બનાવવા માગ
આ ઉપરાંત ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌમાતાને રાજ્યમાતા બનાવવા પણ માગ છે. સમસ્ત મહાજનના ડૉ. ગીરિશ શાહે જણાવ્યું કે, 'પાંજરાપોળ-ગૌશાળાને જરૂરિયાત મુજબ માળખાકીય સુવિધા માટે 300 રૂપિયા કરોડ ફાળવવામાં આવે તેમજ સહાય સમયસર ચૂકવી શકાય તેના માટે વ્યવસ્થા તંત્ર ગોઠવાવું જોઈએ. આ ઉપરાંત પર્યાવરણને નુકસાન કરનારા ગાંડા બાવળથી ગૌચર જમીનને પણ ખતરો છે, તેને દૂર કરવા રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવે. દર 10 ગામ વચ્ચે એક મફત એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે પણ સરકારને રજૂઆત કરાશે.'
કયા રાજ્યની પાંજરાપોળમાં પશુદીઠ વધુ સબસિડી...
રાજ્ય | સબસિડી (રૂપિયા) |
ગોવા | 150 |
ઉત્તરાખંડ | 80 |
મહારાષ્ટ્ર | 50 |
ઉત્તર પ્રદેશ | 50 |
રાજસ્થાન | 40 |
ગુજરાત | 30 |
છત્તીસગઢ | 25 |
હિમાચલ પ્રદેશ | 20 |
મધ્ય પ્રદેશ | 20 |