ગુજરાતમાં દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટ એટેક, દરરોજ 65 અમદાવાદીઓ બને છે હૃદયરોગનો શિકાર

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Heart-attack


Heart Issues: છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો

આ અંગે ઈમરજન્સ સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2023ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં 2024માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન 2023માં 33936 જ્યારે જાન્યુઆરી થી જૂન 2024 માં 40047 કેસ નોંધાયા છે. આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 7175 જ્યારે એપ્રિલમાં 5907 કેસ નોંધાયેલા છે.

ગુજરાતમાં દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટ એટેક, દરરોજ  65 અમદાવાદીઓ બને છે હૃદયરોગનો શિકાર 2 - image

અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયરોગના શિકાર

બીજી તરફ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન 2024 માં 11782 અને જાન્યુઆરીથી જૂન 2023માં 10150 કેસ હૃદયને લગતી ઈમરજન્સીના કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે. 

અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં આવેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં 14756 જેટલી કાર્ડિયાક પ્રોસિજર થયેલી છે. જેમાં 263માં બલૂન, 775માં ડિવાઇસ, 622માં પેસમેકર નખાયું હતું જ્યારે 3939માં સ્ટેન્ટિંગ પ્લાસ્ટિની સારવાર અને 9157ને હૃદયને લગતી વિવિધ સારવાર અપાઈ હતી.

ગુજરાતમાં દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટ એટેક, દરરોજ  65 અમદાવાદીઓ બને છે હૃદયરોગનો શિકાર 3 - image

હૃદયની સમસ્યા પાછળનું કારણ લાઈફસ્ટાઈલ 

બીજી તરફ હૃદયને લગતી સારવાર 2022માં 26728 અને 2023મા 29510 નોંધાઈ હતી. હાલની સ્થિતિ પ્રમાણે છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.

ડોક્ટરોના મતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઈફ સ્ટાઈલ મુખ્ય જવાબદાર પરિબળ છે.અનેક લોકો પૂરતી કસરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઈ લે તેવા કિસ્સામાં પણ હૃદયરોગનો હુમલો હોય છે.

યોગ્ય આહારશૈલી, નિયમિત વોકિંગ-કસરત, પૂરતી ઊંઘથી હૃદયની તંદુરસ્તીમાં વધારે કરી શકાય છે. ડોક્ટરના મતે હાર્ટ એટેકથી બચવા તણાવમુક્ત જીવન, નિયમિત આહાર, પુરતી ઊંઘ / આરામ, સારો સાત્વીક ખોરાક, તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ.

આ પણ વાંચો: લેપટોપ પર કામ કરતાં કરતાં મોત... આખરે કેમ અંદરથી નબળા પડી રહ્યા છે યુવાનો: વાંચો આ અહેવાલ

હાર્ટ એટેકના લક્ષણો શું હોય છે?

છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.

ગુજરાતમાં દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટ એટેક, દરરોજ  65 અમદાવાદીઓ બને છે હૃદયરોગનો શિકાર 4 - image


Google NewsGoogle News