લીંબડ જશ ખાટવા તંત્રનો પ્રયાસ, SBIનો લોગો કાંકરિયાના નામે ચડાવી દેવાતા વિવાદ
આ લોગો તાળાની ચાવી માટેનો હોલ દર્શાવતો હોવાનો ડિઝાઈનરનો દાવો: ભૂતકાળમાં ૨૦૧૪માં ૫ણ આવો જ વિવાદ ઉભો થયો હતો
યુ-ર૦ અને અમદાવાદ મ્યુનિ.ના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ખોટી વિગતો મુકાઈ
અમદાવાદ, શનિવાર, તા. 4 ફેબ્રુઆરી,
2023
વર્ષ ૨૦૨૩માં ભારતે જી-૨૦ સમિટનું પ્રમુખ પદ સંભાળ્યું છે. જે અંતર્ગત યોજાનાર અર્બન ૨૦ (યુ -૨૦) સાયકલના યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. જે અંગે લોકોને માહિતી આપવા યુ-૨૦ના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વિવિધ પોસ્ટ મુકવામાં આવી રહી છે. તાજેતરમાં જ યુ-૨૦ તેમજ એએમસીના ટ્વીટર, ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પેજ પર 'એસબીઆઇ બેન્કનો લોગો કાંકરિયા તળાવની આકૃતિથી પ્રેરાઈને બનાવવામાં આવ્યો હતો' તેવી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ચેક કરતી સંસ્થાઓ દ્વારા આ દાવાને પાયાવિહોણો ગણવામાં આવ્યો છે.
યુ-૨૦ના યજમાન
શહેર તરીકે અમદાવાદની જાહેરાત બાદ ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા
યુ-૨૦ની વેબસાઈટ, લોગો અને સોશિયલ મિડિયા હેન્ડલ લોકોને આ અંગે જાણકારી આપવા ખુલ્લા
મુકાયા હતા. તેવામાં ગત ૨૫ જાન્યુઆરીના રોજ તેમના સોશિયલ મિડિયા પેજ પર ચાલતી 'ડિડ
યુ નો' સીરીઝ હેઠળ ટ્વીટર, ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પેજ પર એસબીઆઇ અને કાંકરિયાને લગતી
એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'દેશની સૌથી મોટી જાહેર
બેંકના લોગોની ડિઝાઇન કાંકરિયા તળાવથી પ્રેરાઈને બનાવવામાં આવી હતી'. આ જ ટ્વીટ અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વીટર પેજ પરથી રિટ્વીટ કરવામાં આવી છે. પરંતુ તથ્યોની ચકાસણી
કરતી સંસ્થાઓ દ્વારા આ દાવાને નકારવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં એસબીઆઇ લોગોના એક ડિઝાઇનરે
તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે '૧૯૭૦માં બનેલો બેન્કનો લોગો તાળામાં ચાવી નાખવા
માટેનો હોલ દર્શાવે છે. જે જોતાં જ લોકોને સુરક્ષા યાદ આવી જાય. વધુમાં તેમને જણાવ્યું
હતું કે આ લોગોને કાંકરિયા તળાવ સાથે કોઈ સંબંધ નથી. લોગો ડિઝાઇન કર્યા પહેલા તેઓએ
ક્યારેય કાંકરિયા તળાવ જોયું પણ ન હતું'.
યુ-૨૦માં ૧૯
દેશો અને યુરોપિયન યુનિયન સહિત કુલ ૨૦ દેશોના લોકો જોડાયેલા છે. જેથી સોશિયલ મિડિયા
પર આવી ભ્રામક માહિતી ૨૦ દેશોના લાખો લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ૨૦૧૪માં પણ આ અંગે
વિવાદ ઊભો થયો હતો. જ્યારે ૨૦૨૩માં યુ-૨૦ અને એએમસીના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર
આવી તથ્ય વિનાની માહિતી પોસ્ટ કરાતા આ વિવાદે ફરીથી વેગ પકડયો છે. જી-૨૦ની શરૂઆતમાં જ આવી વિવાદાસ્પદ જાણકારી ફેલાતા
યુ-૨૦ અને એએમસીની વિશ્વસનીયતા પર લોકોએ સવાલ ઉઠાવ્યાં છે.