પાણીના ભાવે વેચાતા શાકભાજી: ગૃહિણીઓને રાહત જ્યારે ખેડૂતોને માર્કેટ સુધી લાવવાનો માથે પડતો ખર્ચ
મોટાભાગના શાકભાજીનો છૂટક બજાર ભાવ ઘટીને રૂ.૫૦થી ૬૦ થઈ ગયો
ગાજર, પાલક, મેથી, બીટ, કારેલા, વટાણા જેવા સિઝનલ શાકભાજીની મનમૂકીને ખરીદી કરી રહેલી ગૃહિણિઓ
અમદાવાદ, બુધવાર
દિવાળીના દિવસોમાં શાકભાજીના ભાવ વધુ બોલતા હતા. જ્યારે છેલ્લા થોડા દિવસથી શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે વધતી જતી મોંઘવારીના સમયમાં શાકભાજીના ઓછા ભાવના લીધે ગૃહિણીઓ રાહતનો શ્વાસ લઈ રહી છે. શિયાળાની શરૂઆત થતાં જ લીલા તથા અન્ય શાકભાજીઓથી બજાર ઉભરાવા માંડી છે. બીજી તરફ પુષ્કળ ઉત્પાદનના કારણે પાણીના ભાવે શાકભાજી વેચાઈ રહ્યા છે. જેને લઈને ખેડૂતોએ માર્કેટ સુધી શાકભાજી લાવવાનો ખર્ચ પણ માથે પડે તેવી હાલત થઈ છે.
શાકભાજીના ભાવમાં સમયાંતરે વધઘટ જોવા મળે છે ત્યારે શહેરમાં મળતા શાકભાજી ૪૦થી ૫૦ રૂપિયે કિલો આસપાસ વેચાતા જોવા મળી રહ્યા છે. શિયાળામાં આદુ સૌથી વધુ પ્રમાણમાં ખવાય છે જે હાલ ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે જૂના બટેકા ૨૦ રૂપિયે કિલો તથા નવા બટેકા ૨૫ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શિયાળાના સમયમાં ગાજર, શકરીયા, કોળું, પાલક, મેથી, તાંદળજાની ભાજી, ફ્લાવર તથા વટાણા વગેરે જેવા શાકભાજી લોકો વધારે પ્રમાણમાં સેવન કરે છે. શાકભાજીના વેપારી દ્વારા જણાવ્યા અનુસાર હાલના સમયમાં લોકો બીટ, પાલક, મેથી, આદુ, ગાજર, લીલી ડુંગળી તથા લસણ જેવા શાકભાજી વધુ પ્રમાણમાં ખરીદે છે.
આજના સમયમાં દરેક ઋતુમાં દરેક શાકભાજી સરળતાથી મળી રહે છે, પરંતુ ગાજર, બીટ અને પાલક, મેથી તથા અન્ય લીલા શાકભાજીના ભાવ અન્ય ઋતુમાં વધારે હોવાથી લોકો તેને લેવાનું ટાળતા હોય છે. જ્યારે શિયાળામાં તે પાકની પૂરતી આવક હોવાથી ભાવ સામન્ય સપાટીએ પોહચી જાય છે જેથી મધ્યમ વર્ગના લોકો પણ છૂટથી ખરીદી શકે છે.
લીલા શાકભાજી ખાવાના ફાયદા
- તેમાંથી મળતા એન્ટિઓક્સિડન્ટ અને ફાઈટોકેમિકલ્સ શરીરમાં રોગ થતા અટકાવે છે
- તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે દાંતને મજબૂત કરવામાં ઉપયોગી છે
- શાકભાજી શરીરમાં ચરબી વધતાં પણ અટકાવવામાં મદદરૂપ થાય છે
- આંખોના રોગો થતા અટકે છે તથા નંબર આવતા નથી
શાકભાજીના છૂટક બજાર ભાવ
બટેટા રૂ.ર૦થીરપ
આદુ રૂ.૮૦
પાલક રૂ.૩૦
મેથી રૂ.૩૦
કોબી રૂ.૨૫
રિંગણા રૂ.૪૦થી૬૦
ગાજર રૂ.૪૦
બીટ રૂ.૪૦
ફ્લાવર રૂ.૫૦થી૬૦
ગવાર રૂ.૬૦થી૮૦
ચોળી રૂ.૮૦
ટમેટા રૂ.૩૦થી૪૦
વટાણા રૂ.૭૦થી૯૦
ટીંડોળા રૂ.૪૦થી૬૦
દૂધી રૂ.૨૦થી૩૦
ભીંડો રૂ.૪૦થી૫૦
લીલી ડુંગળી રૂ.૫૦
લીલુ લસણ રૂ.૫૦
ઘાણાભાજી રૂ.૫૦થી૬૦
લીલી હળદર રૂ.૫૦