Get The App

ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન : દર્દીઓને 'અંધારામાં રાખી' એન્જિયોપ્લાસ્ટી, બેનાં મોત

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન : દર્દીઓને 'અંધારામાં રાખી' એન્જિયોપ્લાસ્ટી, બેનાં મોત 1 - image


- આયુષ્યમાન યોજનામાં 'કમાવા'ની લહાયમાં હોસ્પિટલે દર્દીઓને બારોબાર ચીરી નાખ્યા

- કડીના બોરીસણા ગામના દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ લવાયા : સાત દર્દીઓમાં એન્જિયોપ્લાસ્ટી કરાઇ

- આયુષ્યમાન કાર્ડમાંથી દોઢ-દોઢ લાખ કપાઇ પણ ગયા હોવાનો દર્દીના સ્વજનોનો દાવો

અમદાવાદ : તબીબી સેવામાં કાળો ડાઘ લગાવી જાય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના ૧૯ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી ૭ દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય પાંચ દર્દીઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. આ દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમને કોઇ જ ગંભીર સમસ્યા નહીં હોવાનો સ્વજનોનો દાવો છે. તેવામાં તેમના મૃત્યુ અને સ્વાસ્થ્ય કથળવાની જાણ થતાં સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. 'બેદરકારી' થી મોત બાદ સ્વજનોમાં આક્રોષ, આક્રંદ, ચિત્કાર અને ફિટકાર હતો. આ સમગ્ર ઘટના મામલે રાજ્યના આરોગ્ય વિભાગે રાબેતા મુજબ જ 'તપાસ' ના આદેશ છોડીને સંતોષ માની લીધો છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦ નવેમ્બરના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા હૃદયના દર્દીઓ માટે 'મેડિકલ કેમ્પ' યોજાયો હતો. જેમાં ૧૨૦ જેટલા લોકોને ચકાસવામાં આવ્યા હતા. આ પૈકી ૨૦ લોકોને ડોક્ટરો દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 'તમારા હૃદયમાં સમસ્યા છે એટલે વધુ સારવાર માટે આયુષ્યમાન કાર્ડ-આધાર કાર્ડ સાથે અમદાવાદની હોસ્પિટલમાં આવવું પડશે. ' બીજા દિવસ એટલે કે ૧૧ નવેમ્બરના હોસ્પિટલ દ્વારા આ 'કથિત' દર્દીઓને લેવા માટે ખાસ બસ મોકલવામાં આવી. 

દર્દીઓ જેવા આ કહેવાતી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહોંચ્યા એ સાથે જ 'સ્વાસ્થ્ય ચકાસણી'ની વિવિધ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ. સૌપ્રથમ ડોક્ટરોએ આ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી દીધી. એન્જિયોગ્રાફી બાદ સાત દર્દીઓમાં સ્ટેન્ટ મૂકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર્દીઓએ જ્યારે પૂછ્યું કે, 'શું સમસ્યા છે? અમારા રીપોર્ટમાં શું આવ્યું છે?' ત્યારે ડોક્ટરો દ્વારા કોઇ જ જવાબ આપવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં સ્ટેન્ટ લગાવતા પહેલા દર્દી કે તેમના સ્વજન પાસે સંમતિ ફોર્મ ઉપર પણ કોઇ હસ્તાક્ષર કરાયા નહોતા. 

સોમવારે મોડી રાતના બે દર્દીઓના મૃત્યુ થયા ત્યારે તેમના સ્વજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. કોઇ તકલીફ વિના જ હોસ્પિટલમાં આવેલા હોવા છતાં મૃત્યુ થવાથી દર્દીઓના સ્વજનો-ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે હોસ્પિટલોમાં તોડફોડ કરી હતી. દર્દીઓનો એવો પણ આક્ષેપ છે કે, તેમની પાસેથી મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યા હતા. જેના કારણે આયુષ્યમાન યોજનામાં જે ઓટીપી આવે એ તેમને જ મળી શકે. ' કેટલાક દર્દીઓનો આયુષ્યમાન યોજનાના તેમના એકાઉન્ટમાંથી દોઢ-દોઢ લાખ કપાઇ ગયા હોવાનો પણ આક્ષેપ છે. 

આ સમગ્ર ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગે પાંચ જેટલી વિવિધ ટીમને તપાસ માટે ઉતારી હતી. તેઓ પોતાનો રીપોર્ટ આગામી દિવસમાં આપશે અને જેના આધારે હોસ્પિટલ-ડોક્ટર સામે પગલાં લેવાય છે કે કેમ તેનો નિર્ણય લેવાશે.જોકે, આરોગ્ય વિભાગ જવાબદારો સામે પગલાં લેવા કરતાં આ ઘટનામાં ભીનું કેમ સંકેલાય તેમાં જ પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે તેવું ચર્ચાય છે.

બે વર્ષ પહેલાં વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી કરી હોત તો...

ખ્યાતિ હોસ્પિટલનો ખેલ : ૨૦૨૨માં સાણંદના પ્રૌઢે પણ જીવ ગુમાવ્યો હતો

સાણંદના તેલાવથી કેમ્પના નામે દર્દીઓ લવાયાં તેમાં એક દર્દીના મૃત્યુથી હોબાળો થતાં AD નોંધી પણ પોલીસે કોઈ તપાસ ન કરી

અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલની સાથે અમદાવાદ પોલીસનો ખેલ પ્રકાશમાં આવ્યો છે. કડી વિસ્તારમાં કેમ્પ યોજીને જે રીતે દર્દીઓને લાવવામાં આવ્યા તે જ રીતે વર્ષ ૨૦૨૨માં સાણંદ વિસ્તારમાંથી દર્દીઓ લાવવામાં આવ્યા હતા. આ સમયે સાણંદના એક પ્રૌઢે જીવ ગુમાવતાં હોબાળો મચ્યો હતો. તે સમયે જ વસ્ત્રાપુર પોલીસ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી હતી અને હાલની જેમ જ એ.ડી. પણ નોંધી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, બે વર્ષના સમયગાળો વિતી ગયો તેમ છતાં જુના એ.ડી. કેસમાં વસ્ત્રાપુર પોલીસે કોઈ તપાસ કે કાર્યવાહી કરી નથી. જો બે વર્ષ પહેલાં વસ્ત્રાપુર પોલીસે ઊંડી તપાસ કાર્યવાહી કરી હોત તો શક્ય છે કે, ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પનો ખેલ અટકી જતાં બે વ્યક્તિનો જીવ બચી ગયો હોત.

એસજી હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલ વર્ષ કોરોના કાળ દરમિયાન આ પ્રકારના જ એક દર્દીના મૃત્યુના વિવાદમાં અટવાઈ હતી પરંતુ એ સમયે પણ એ.ડી.ની નોંધ કરનાર વસ્ત્રાપુર પોલીસે બે વર્ષે કોઈ જ કાર્યવાહી કરી નથી. એવી પ્રાથમિક વિગતો તપાસમાં આવી છે કે, વર્ષ ૨૦૨૨ના અંત ભાગમાં સાણંદના તેલાવ ગામના દશરથભાઈ નામના પંચાવન વર્ષના દર્દીનું મૃત્યુ નિપજતાં હોબાળો મચ્યો હતો. હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓએ હો-હા મચાવતાં પોલીસ બોલાવવામાં આવી હતી. આ સમયે પણ વસ્ત્રાપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે એ.ડી. નોંધી હતી અને મેડિકલ રિપોર્ટસ બાદ કાર્યવાહી થશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, બરાબર બે વર્ષનો સમય વિતી ગયો છે પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સામે આક્ષેપાત્મક એ.ડી. અંગેની તપાસ પૂર્ણ કરવાનું તો દૂર આગળ પણ ધપાવી નથી. સૂત્રોએ જણાવ્યું કે, જે - તે સમયે જે અવસ્થામાં એ.ડી. હતી તેમાં કોઈ જ તપાસ કાર્યવાહી થઈ નથી.

સૌથી ગંભીર બાબત એ છે કે, વર્ષ ૨૦૨૨માં કોરોના કાળ સમયે સાણંદ વિસ્તારમાં કેમ્પ યોજવામાં આવતા હતા. કેમ્પ યોજીને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવતાં હતાં. વર્ષ ૨૦૨૨માં એક દર્દીનું મૃત્યુ નિપજતાં હોબાળો મચી ગયો હતો અને પોલીસે એ.ડી. નોંધી રિપોર્ટ આવે એટલે ગુનો નોંધવાની વાતો કરી હતી.

બે વર્ષ અને બે દર્દીના મૃત્યુ પછી પણ કેમ્પ... દર્દીના મૃત્યુ.... તપાસની ખાતરી... આ જ સિલસિલો બે વર્ષ પછી ફરી શરૂ થયો છે. જો બે વર્ષ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં આ જ પ્રકારે કેમ્પ યોજીને લાવવામાં આવેલા તેલાવ વિસ્તારના દર્દીના મૃત્યુના બનાવમાં પોલીસે ઊંડી તપાસ કરી હોત તો બોરિસણા ગામના બે વ્યક્તિઓના જીવ બચી ગયાં હોત. ખ્યાતિ હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી તે સાથે તબીબી ક્ષેત્રે હોસ્પિટલોમાં ચાલતાં ખેલની ચર્ચાઓ લોકમુખે વ્યાપક બની છે.

મેડિકલ રીપોર્ટ આવ્યા બાદ જ પોલીસ ફરિયાદ કરાશે : ડીસીપી

ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મૃત્યુ પામેલ દર્દીઓનું સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ, ફોરેન્સિક ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરાઇ હતી. ઝોન-૧ના ઈન્ચાર્જ ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું કે, 'હવે મેડિકલ રીપોર્ટ બાદ જ પોલીસ ફરિયાદ દાખલ કરાશે.'  

જાણકારોના મતે, બેદરકારીથી દર્દીના મૃત્યુ મામલે ડોક્ટર સામે સીધી કોઇ ફરિયાદ દાખલ થઇ શકે નહીં પણ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ થઇ શકે છે. પરંતુ પોલીસ દ્વારા જવલ્લે જ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાતી હોય છે.

દાખલ થતાં જ અમારા ફોન પણ લઇ લીધા : દર્દીનો આક્ષેપ

દર્દીઓનો આક્ષેપ છે કે અમે દાખલ થયા એ સાથે જ હોસ્પિટલ દ્વારા અમારા ફોન પણ લઇ લેવામાં આવ્યા હતા. આયુષ્યમાન યોજનાની એપ્રૂવલ સહિતની જેના કારણે અમને કોઇ જાણ થઇ નહોતી. આ ઉપરાંત અમે અમારા સ્વજનો સાથે પણ સંપર્કમાં રહી શક્યા નહોતા. ' 

વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાં સસ્પેન્ડ કરાઇ હતી પણ... 

પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની સારવાર કરી ખ્યાતિ હોસ્પિટલ આરોગ્ય વિભાગ સમક્ષ ક્લેઇમ રજૂ કરી લાખો કરોડો રૂપિયા સેરવી લેતી હોવાની માહીતી મળી છે. જોકે, દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવવા બદલ વર્ષ ૨૦૨૧માં ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાયએ યોજના અંતર્ગત એમ્પેનલ કરી દેવામાં આવી હતી પણ હોસ્પિટલના સંચાલકોએ ગોઠવણ પાડતાં આરોગ્ય વિભાગે ફરી આ યોજનામાં ખ્યાતિ હોસ્પિટલનું નામ સામેલ કરી દીધુ હતુ.આમેય, હોસ્પિટલના સંચાલકોનું આરોગ્ય મંત્રી સાથે નજીકનો ઘરોબો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

આયુષ્યમાન યોજનાની એપ્રૂવલ કલાકોમાં જ કઇ રીતે મળી?

સરકારી હોસ્પિટલમાં દર્દીને આયુષ્યમાન યોજના હેઠળ સારવાર માટે ઘણી વાર ૨૪થી ૪૮ કલાક રાહ જોવી પડે છે. 

પરંતુ આ હોસ્પિટલને કલાકોમાં જ દર્દાઓની સારવાર માટે એપ્રૂવલ મળી કઇ રીતે તે બાબતે પણ ચર્ચા જગાવી છે. આ ઉપરાંત એક કોર્પોરેટ કંપની જેમ કેટલીક ખાનગી હોસ્પિટલો તેમની માર્કેટિંગ ટીમને  મહિનામાં અમુક દર્દી લાવવાના ચોક્કસ ટાર્ગેટ આપે છે. આ ટાર્ગેટ પૂરો કરવા મેડિકલ કેમ્પ જેવા તાયફાઓ કરવામાં આવે છે. 


Google NewsGoogle News