ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે શિયાળામાં મળતુ આ ફળ, શુગર લેવલ રહે છે કંટ્રોલ
Image Source: Twitter
અમદાવાદ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર
ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી બીમારી છે. આ બીમારીથી ગ્રસિત દર્દીઓએ પોતાની ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ભોજનમાં થોડી પણ બેદરકારી તેમના માટે મોટી સમસ્યા બની શકે છે. ઘણી વખત ડાયાબિટીસના દર્દી ભોજનને લઈને નિરાશ થઈ જાય છે. પરંતુ એક ફળ છે જે સ્વાદથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક પણ છે. તેનું સેવન કરીને તમે પોતાનું શુગર કંટ્રોલ કરી શકો છો.
શિયાળામાં શિંગોડા મળે છે
શિયાળાની ઋતુ શરૂ થતા જ બજારમાં શિંગોડા વેચાવા લાગે છે. તેને અંગ્રેજીમાં વોટર ચેસ્ટનટ કે વોટર કેલ્ટ્રોપ કહેવામાં આવે છે. સામાન્યરીતે તેનો ઉપયોગ વ્રતના ભોજનમાં કરવામાં આવે છે. આ ન માત્ર ભોજનમાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર શિંગોડામાં કેલ્શિયમ, વિટામિન-એ, સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન જેવા તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. આમ તો શિંગોડાને કાચા પણ ખાઈ શકાય છે. તમે ઈચ્છો તો તેને બાફીને, ફ્રાય કરીને, અથાણુ બનાવીને કે પછી શાક બનાવીને પણ તેનું સેવન કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ વધુ લાભદાયી છે.
શિંગોડા ડાયાબિટીસના દર્દીઓ માટે અસરદાર છે
શિંગોડામાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે. શિંગોડામાં ઓછુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. તેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધતુ નથી, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ડાયટમાં ફાઈબરનું વધુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી, બ્લડ કોલેસ્ટ્રોલ ઘટે છે સાથે જ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી આંતરડાને સ્વસ્થ બનાવે છે.
આ સમસ્યાઓમાં પણ છે કારગર
શિંગોડાના નિયમિત સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે છે. શિંગોડા અસ્થમા, એસિડિટી, ગેસ, અપચોમાં કારગર છે. આ હાડકાઓને પણ મજબૂત કરે છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે પણ શિંગોડાનું સેવન લાભદાયી હોય છે.