ગુજરાતનાં આ જિલ્લાઓમાં યેલો ઍલર્ટ: સાત દિવસ કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Update : હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે. જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી છ દિવસની રોજબરોજની વરસાદી સ્થિતિ કેવી રહેશે
30 જૂનના દિવસે રાજ્યના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ઓછી જણાશે.
01 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
02 જુલાઈના દિવસે નવસારી અને વલસાડમાં ભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદી માહોલ નહીવત જોવા મળશે.
03 જુલાઈએ રાજ્યના બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતુ.
04 અને 05 જુલાઈના રોજ ધીમે ગતિએ વરસાદ પડશે. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.
દક્ષિણ પૂર્વ ભાગોમાં વરસાદની મજબૂત પકડ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ધબળાટી બોલાવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે આગામી સાત દિવસમાં દક્ષિણ પૂર્વ ભાગોમાં વરસાદે પોતાના મજબૂત પકડ બનાવી છે તો બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમે ગતિએ વરસાદ પડશે.
દરિયો ખેડવા માછીમારોએ ન જવુ
રાજ્યમાં છેલ્લા દિવસથી વરસાદે જોર પકડ્યું છે, તેવામાં દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચન કર્યુ હતુ. આ ઉપરાંત, દરિયાકાંઠામાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતુ.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની કેટલી અસર
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10.54 MM જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 32થી વધુ જિલ્લાઓ અને 159થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂન મહિનામાં 71.06 MM જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો હોવાના આંકડા નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કયા ઝોનમાં કેટલો વરસાદ
જેમાં છેલ્લા 24 કલાકમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર નાખીએ તો, કચ્છ ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 5.50 MM,ઉત્તર ગુજરાતમાં 2.51 MM, રાજ્યના પૂર્વ ભાગમાં 4.25 MM, સૌરાષ્ટ્રમાં 8.56 MM અને સૌથી વધુ દક્ષિણ ભાગમાં 32.72 MM વરસાદ પડ્યો છે.