ઉનાળાના પ્રારંભે જ ગુજરાત પર તોળાતું જળ સંકટ, અનેક જળાશયોના તળિયા દેખાવા લાગ્યા
Gujarat News: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ અનેક જળાશયોના તળિયા દેખાવવા લાગ્યા છે. રાજ્યના 48 જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54.01 ટકા છે. આ પૈકી 90 ટકાથી વધુ જળસ્તર હોય તેવા માત્ર બે જળાશયો છે.
છેલ્લા ચાર સપ્તાહમાં જ જળસ્તર 8 ટકાથી વધુનો ઘટાડો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 60.53 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું 30.38 ટકા જળસ્તર છે. 7 માર્ચની સ્થિતિ અનુસાર જોવામાં આવે તો ગુજરાતમાં સરેરાશ જળસ્તર 62.33 ટકા હતું. એ વખતે 10 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 36 જળાશયો હતા. આમ, છેલ્લા ચાર સપ્તાહમાં જ જળસ્તર 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
સરદાર સરોવર હાલમાં 59.58 ટકાનું જળસ્તર
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.49 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.53 ટકા, કચ્છના 20 જળાશયોમાં 36.95 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.38 ટકા જળસ્તર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર હાલમાં 59.58 ટકાનું જળસ્તર ધરાવે છે. આ સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 54-01 ટકા જળસ્તર છે.
90 ટકાથી વધુ જળસ્તર હોય તેવા માત્ર બે જળાશયો
30 માર્ચની સ્થિતિએ 90 ટકાથી વધુ જળસ્તર હોય તેવા માત્ર બે જળાશયો છે. જેમાં મોરબીના ઘોડાધ્રોઈ અને મચ્છુ-3નો સમાવેશ થાય છે. 80 ટકાથી 90 ટકા વચ્ચે જળસ્તર હોય તવા 6 જળાશયો છે. આ જળાશયોમાં રાજકોટના આજી-1, આજી-2, કચ્છના તારાપર-કાલાઘોઘા, મહીસાગરના વણાકબોરી, સુરેન્દ્રનગરના ચુડા, જૂનાગઢના હીરણ-1 સામેલ છે. બીજી તરફ 7 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી 80 ટકા વચ્ચે છે.
રાજ્યમાં કેટલાક જળાશયો ઉનાળાના પ્રારંભ અગાઉ ખાલીખમ
રાજ્યમાં કેટલાક જળાશયો ઉનાળાના પ્રારંભ અગાઉ ખાલીખમ પણ થઈ ગયા છે. દેવભૂમિ દ્વારકાના ગઢકી-સાની, પોરબંદરના અવાણા-અમીપુર, જુનાગઢના પ્રેમપરાનું જળસ્તર શૂન્ય ટકા થઈ ગયું છે. રાજ્યમાં કુલ 36 જળાશયોનું જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. ઓછું જળસ્તર ધરાવતા મોટાભાગના જળાશયો સૌરાષ્ટ્રમાંથી છે. જળસ્તર 20 ટકાથી પણ ઓછું થઈ ગયું હોય તેવા 68થી વધુ જળાશયર્યો છે.