Get The App

ગાયોના મોતનો વિડિયો વાઈરલ થતા તંત્ર હરકતમાં, મ્યુનિ. કોર્પો.ના ત્રણ ઢોરડબામાં એક સપ્તાહમાં રોજના ૨૫થી ૩૦ પશુના મોત

ગાયોની સંભાળ લેવાતી નહીં હોવા સહિતના માલધારી સમાજના આક્ષેપોને મ્યુનિ.તંત્ર દ્વારા ફગાવી દેવામાં આવ્યા

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
ગાયોના મોતનો વિડિયો વાઈરલ થતા તંત્ર હરકતમાં, મ્યુનિ. કોર્પો.ના ત્રણ ઢોરડબામાં એક સપ્તાહમાં રોજના ૨૫થી ૩૦ પશુના મોત 1 - image


અમદાવાદ,મંગળવાર,5 ડીસેમ્બર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ ઢોરના ડબામાં વિવિધ કારણોસર પ્રતિ દિવસ ૨૫થી ૩૦ પશુઓના મોત થાય છે જેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવતો હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહીર પટેલનું કહેવુ છે.મ્યુનિ.તંત્ર તરફથી પકડવામાં આવતી ગાયોની સંભાળ લેવાતી નહીં હોવા સહિતના માલધારી સમાજ તરફથી કરવામાં આવેલા આક્ષેપોને તેમણે ફગાવી દીધા હતા.ગ્યાસપુર ખાતે આવેલા અમદાવાદ મ્યુનિ.ના મૃત પશુઓના નિકાલ માટેના કાર્કસ ડેપો પાસેના કેટલાક વિડિયો સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કરાયા હતા.આ વિડીયોમાં માલધારી સમાજ તરફથી મ્યુનિ.તંત્ર તરફથી પકડવામાં આવતી ગાયોની પુરતી સંભાળ લેવાતી નહીં હોવાસાથે ગાયોને પીવાના પાણી માટે રાખવામાં આવતા હવાડામાં પાણીમાં મીઠુ નાંખવામાં આવતુ હોવાથી ગાયોની હોજરી નબળી પડતી હોવાના કારણે મોત થતા હોવાનો આક્ષેપ માલધારી સમાજ તરફથી વિડીયોના માધ્યમથી કરવામાં આવ્યો હતો.મ્યુનિ.કમિશનરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા સી.એન.સી.ડી.ના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે કરેલી બેઠક બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનુ આ પ્રકારનુ નિવેદન સામે આવ્યુ હતુ.

અમદાવાદ મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગ તરફથી ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે શહેરના જાહેર રસ્તા ઉપરથી રખડતી ગાય સહિતના પશુઓને પકડી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ ઢોરડબામાં રાખવામાં આવે છે.વિવિધ કારણથી મૃત્યુ પામતા પશુઓનો ગ્યાસપુર ખાતે આવેલા મ્યુનિ.ના કાર્કસ ડેપો ખાતે તંત્ર દ્વારા ખાડો કરી તેનો નિકાલ કરવામાં આવતો હોય છે.મંગળવારે સોશિયલ મિડીયા ઉપર માલધારી સમાજ દ્વારા અલગ અલગ વિડીયો વાઈરલ કરવામાં આવ્યા હતા.જેમાં ગ્યાસપુર ખાતે મૃત ગાયોના મૃતદેહ બતાવવાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવતી ગાયોની યોગ્ય સંભાળ લેવામાં આવતી નહીં હોવાથી ૩૫ ગાયોના મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.એક આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો હતો કે,ગાયોને પીવા માટેના હવાડાના પાણીમાં મીઠુ નાંખવામાં આવતુ હોવાથી ગાયોની હોજરી નબળી પડી જવાથી મોત થઈ રહયા છે.વિડીયો વાઈરલ થયાની ગણતરીની મિનીટોમાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહીર પટેલ,સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપુત સહિત અન્ય અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી ગાયોના મોત અંગે વાઈરલ થયેલા કથિત વિડીયોને લઈ સંપૂર્ણ વિગતો જાણી હતી.

મૃતદેહના નિકાલ પહેલા જ કેટલાક લોકોએ મ્યુનિ.ના વાહન રોકી લીધા હતા

મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક બાદ સી.એન.સી.ડી.વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહીર પટેલે મિડીયા સાથેની વાતચીતમાં ગાયોના મૃતદેહને ગ્યાસપુર ખાતે આવેલા કાર્કસ ડેપો ખાતે મ્યુનિ.ની ગાડીમાં લઈ જવાતા હતા એ સમયે મૃતદેહનો નિકાલ થાય એ પહેલા જ કેટલાક લોકોએ વાહન રોકી લીધા હોવાનુ કહયુ હતુ.પકડાયેલા પશુ પ્લાસ્ટીક સહિતનું મટીરીયલ ખાવા ટેવાયેલા હોય છે.જયારે મ્યુનિ.ના ઢોરડબામાં તેમને ઘાસ સહિતનુ ભોજન આપવામાં આવે છે.કેટલાક કિસ્સામાં આફરો ચઢતા મોતને ભેટે છે.આવા કુદરતી મોત બાદ  મૃતદેહનો નિકાલ મ્યુનિ.ની નિયત જગ્યાએ ગ્યાસપુર ખાતે નિયમ મુજબ કરવામાં આવે છે.

અગાઉ પોસ્ટમોટર્મ કરાતા ૨૫ કિલો પ્લાસ્ટીક મટિરીયલ મળી આવ્યુ હતુ

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ, માલધારી સમાજ તરફથી ગાયોની સંભાળ લેવામાં આવતી નહીં હોવાના આક્ષેપ બિલકુલ ખોટા છે.મ્યુનિ.ના તમામ ઢોરડબામાં પકડવામાં આવેલા ગાય સહિતના પશુઓની તબીબી તપાસ માટે વેટરનરી ડોકટરોની ટીમને પણ શિફટ વાઈસ જવાબદારી સોંપવામાં આવી છે.અગાઉ મૃત ગાયનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ૨૫ કિલોગ્રામ પ્લાસ્ટીક મટીરીયલ મળી આવ્યુ હતુ.

એક પશુ-પક્ષીના મૃતદેહના નિકાલ માટે માત્ર રુપિયા ૧૩.૭૭ ચુકવાય છે

અમદાવાદમાં મૃત્યુ પામતા તમામ મૃતપશુઓનો ગ્યાસપુર ખાતે આવેલી સાઈટ ઉપર મ્યુનિ.તંત્ર દ્વારા નિકાલ કરવા માટે શ્રમજીવી ચર્મ ઉદ્યોગ સહકારી મંડળી લી.ને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.માહિતી અધિકાર એકટ-૨૦૦૫ અંતર્ગત એજાજખાન એચ પઠાણે માંગેલી માહિતીમાં  એક પશુ-પક્ષીના મૃતદેહના નિકાલ માટે એજન્સીને માત્ર રુપિયા ૧૩.૭૭ ચુકવાતા હોવાનો મ્યુનિ.તંત્ર તરફથી સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે.સંસ્થાના કર્મચારીઓને કાર્કસ ડેપો ખાતે મૃતપશુઓને ખાડો કરી દાટવા સાથે મીઠુ અને જંતુનાશક દવા પણ નાંખવાની હોય છે.શહેરમાં મૃતપશુઓના નિકાલ માટે દર મહિને ૬૦ હજાર રુપિયા ચુકવવામાં આવે છે.આ વર્ષે ૧૬ જુલાઈથી ૧૫ ઓગસ્ટ સુધીના સમયમાં કુલ ૪૩૫૬ મૃતપશુઓનો નિકાલ કાર્કસ ડેપો ખાતે કરવામાં આવ્યો હતો.

જુલાઈથી ઓગસ્ટમાં ૪૩૫૬ પશુનો નિકાલ કરાયો

પશુ                 સંખ્યા            

ગાય,બળદ, ઉંટ     ૬૨૭

પાડા,વાછરડા,અન્ય     ૬૩૨

કૂતરાં,ભૂંડ, બિલાડી        ૫૮૯

અન્ય                   ૨૫૦૮

ઢોરડબા મુજબ રખાયેલ ઢોર

સ્થળ           પશુની સંખ્યા

દાણીલીમડા    ૨૬૪૯

બાકરોલ        ૧૨૮૭

નરોડા          ૯૮૧



Google NewsGoogle News