કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ મામલો, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે નોંધાવી ફરિયાદ
Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે વિરોધ અને હોબાળો થયો હતો. આ નિવેદન બાદ બીજા દિવસે મંગળવારે (બીજી જુલાઈ)એ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 20થી 25 લોકોના ટોળાએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી તેમજ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે ફરિયાદ નોંધાવી
ત્યારે હવે કોંગ્રેસ કાર્યાલયમાં પથ્થરમારો, તોડફોડને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારે જ્વલિત મહેતા, ઋત્વિક શ્રૈયાંસ શાહ, ચિંતન લોધા તેમજ અન્ય 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આ ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને 200 જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી હતી. જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની હતી. જો કે પોલીસે કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ લીધી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંઘ્યા હતા.