Get The App

ગુજરાતમાં વ્યાજખોરોનું વિષચક્ર, 10 જ દિવસમાં 75000 પીડિતની ચુંગાલમાંથી છૂટવા ફરિયાદ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Usury Increased in Gujarat
image:envato

Usury Increased in Gujarat: ગુજરાતમાં વ્યાજખોરોનું વિષચક્ર પોલીસ અને સરકારના નિયંત્રણ બહાર છે, કારણ કે આ પ્રવૃત્તિમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના બ્લેકમની લાગેલી છે. સરકાર ઝૂંબેશ ચલાવે છે, પરંતુ તેને સફળતા મળતી નથી, કારણ કે ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન પર છૂટીને ફરી એ જ ધંધામાં સક્રિય બને છે.

પોલીસના દરબારમાં 323 ગુના નોંધાયા

રાજ્યમાં વિષચક્રનો વ્યાપ કેટલો મોટો છે તે સરકારના આંકડા પરથી ફલિત થાય છે. માત્ર 10 દિવસના રાજ્યવ્યાપી પોલીસ દરબારમાં 75,000 જેટલી વિક્રમી સંખ્યામાં ફરિયાદો આવી છે. જે લોકો ફરિયાદ કરતાં ગભરાઈ રહ્યાં છે તેનો આંકડો 10 ગણો મોટો હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો છે કે રાજ્યમાં 323 ગુના નોંધવામાં આવ્યા છે જેમાં 565 આરોપી પૈકી પોલીસે માત્ર 343ની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત 'ડ્રાય સ્ટેટ' નથી રહ્યું! સુરતમાં પણ ઝૂમ બરાબર ઝૂમ શરાબી, ડાયમંડ બુર્સમાં થશે 'ચિયર્સ'


આરોપીઓ જામીન પર છૂટીને વ્યાજના ધંધામાં જોડાઈ છે 

ગૃહ વિભાગે રાજ્યમાં 1648 દરબાર યોજ્યા હતા. જેમાં સરેરાશ પ્રત્યેક દરબારમાં 45 પીડિતોએ ફરિયાદ નોંધાવી છે. વ્યાજના વિષચક્રમાં મધ્યમવર્ગ તેમની સંપત્તિ ખોઈ રહ્યો છે. પોલીસ વર્ષના વચલા દિવસે ઝૂંબેશ કરે છે, પરંતુ ત્યારપછી આખું વર્ષ કોઈ ઝૂંબેશ થતી નથી. બીજી તરફ ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન પર છૂટીને ફરીથી આ ધંધામાં જોડાઈ જાય છે. રાજ્યમાં ઘણી જગ્યાએ વ્યાજખોરો પાસે કેટલાક પોલીસ અધિકારીઓના કાળા રૂપિયા ફરી રહ્યાં છે તેથી પોલીસ પણ કડક પગલાં ભરતાં અચકાય છે.

રાજ્યમાં આ કાયદાનું ઉલ્લંઘન

વ્યાજખોરોની ચૂંગાલમાં ખેડૂતો તેમની જમીન, નાનો ધંધાર્થી તેનું ઝવેરાત અને  મિલકત તેમજ નોકરીયાત વ્યક્તિ વાહન અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ ગુમાવી રહ્યો છે. મુદ્દલ સામે 24થી 36 ટકા જેટલું વ્યાજ વસૂલ કરતાં આ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. રાજ્ય સરકારે નાણાં ધીરધાર બાબત અધિનિયમ 2011 હેઠળ નિયમો 2013 અંતર્ગત સિક્યોરિટી સાથે 12 ટકા અને સિક્યોરિટી વિના 15 ટકા વાર્ષિક વ્યાજ વસૂલવાનો આદેશ કર્યો છે. પરંતુ આ કાયદાનું રાજ્યમાં વ્યાજખોરો ઉલ્લંઘન કરી રહ્યાં છે. ફરજિયાત નિયમ હોવા છતાં ધંધાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતા નથી.

ગુજરાતમાં વ્યાજખોરોનું વિષચક્ર, 10 જ દિવસમાં 75000 પીડિતની ચુંગાલમાંથી છૂટવા ફરિયાદ 2 - image



Google NewsGoogle News