જે પોષતું તે મારતુ એ કહેવત સાચી ઠેરવીને જોધપુર,વેજલપુરમાં વૃક્ષો જડમૂળથી કાપવા મ્યુનિ.તંત્રે જ મંજુરી આપી દીધી

વિવિધ રસ્તા રી-ગ્રેડ,રીસરફેસ કરવાના ઓઠા હેઠળ વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરુ કરતા પર્યાવરણ ઉપર અસર થશે

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
જે પોષતું તે મારતુ એ કહેવત સાચી ઠેરવીને જોધપુર,વેજલપુરમાં વૃક્ષો જડમૂળથી કાપવા મ્યુનિ.તંત્રે જ મંજુરી આપી દીધી 1 - image


અમદાવાદ,શનિવાર,23 ડિસેમ્બર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને સત્તાધીશો મિશન મિલીયન ટ્રી ઝૂંબેશની ગુલબાંગ વચ્ચે વર્ષ-૨૦૨૩-૨૪માં ૨૧ લાખ પ્લાન્ટ રોપાયા હોવાની જાહેરાત કરે છે.બીજી તરફ શહેરના જોધપુર ઉપરાંત વેજલપુર અને સરખેજ વોર્ડમાં કુલ ૧૧ સ્થળે રોડ રીગ્રેડ અને રીસરફેસ કરવાના નામે વર્ષો જુના વૃક્ષો જડમૂળથી જ કાપી નાંખવા મ્યુનિસિપલ તંત્રે જ મંજુરી આપી દીધી છે.શહેરના ગ્રીન કવરમાં વધારો કરવાની શેખી મારતા તંત્રના અધિકારીઓએ આપેલી મંજુરી બાદ આ ત્રણ વોર્ડમાં મોટા ઘટાદાર વૃક્ષો કાપવાની શરુઆત કરી દેવામાં આવી છે.આ પ્રકારે તંત્ર પોતે જ વૃક્ષો કાપશે તો પર્યાવરણ ઉપર આવનારા સમયમાં ગંભીર અસર થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર ઉપરાંત વેજલપુર અને સરખેજ વોર્ડના વિવિધ રોડ રીગ્રેડ,રીસરફેસ કરવાના નામે ૧૧ ડિસેમ્બરના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(પાકર્સ એન્ડ ગાર્ડન)ની આ ત્રણ વોર્ડમાં રોડના નામે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવા દક્ષિણ-પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમઝોનમાં ફરજ બજાવતા સીનીયર સેકશન ઓફિસર ઉપરાંત આસિસ્ટન્ટ ડાયરેકટર(પાકર્સ એન્ડ ગાર્ડન-ટેક), આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર(પાર્કસ એન્ડ ગાર્ડન) અને ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલ ની સહી સાથે  વૃક્ષો કાપવા અંગે મંજુરી માંગતી  ફાઈલ મુકવામાં આવી અને વર્ષો જુના વૃક્ષો જડમૂળથી કાપી નાંખવા મ્યુનિ.તંત્ર તરફથી મંજુરી પણ આપી દેવામાં આવી.

ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડને વૃક્ષો કાપવા મંજુરી આપી

મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલ દ્વારા જોધપુર,વેજલપુર અને સરખેજ વોર્ડમાં રોડ રીગ્રેડ કરવાના નામે વર્ષો પહેલા રોપવામાં આવેલા અને હાલ ઘટાદાર બની ગયેલા વૃક્ષો જડમૂળથી કાપવા મંજુરી અપાઈ છે.તેમનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમણે સંપર્ક કરવાનુ ટાળ્યુ હતુ.

 


Google NewsGoogle News