ગુજરાતમાં પહેલીવાર ગૂગલ અર્થની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરાઈ, જીવલેણ અકસ્માત પણ 23% ઘટ્યા
Ahmedabad Traffic Problem Solution By Google Earth : અમદાવાદની સૌથી વિકટ સમસ્યાઓની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાએ સૌથી જટીલ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. જેને નિવારવા માટે પોલીસ દ્વારા અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે. જો કે ઘણીવાર તેમાં ધારી સફળતા મળતી નથી.
પરંતુ અમદાવાદ પૂર્વના ડીસીપી સફીન હસને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મહત્ત્વના ટ્રાફિક જંક્શન પરની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ગૂગલ અર્થ દ્વારા મળતી ઇમેજનો ઉપયોગ કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર ગૂગલ અર્થ દ્વારા ટ્રાફિક નિરાકરણની કામગીરી હાથ ધરાઈ છે.
અમદાવાદ ટ્રાફિક વિભાગ(પૂર્વ)માં તેમણે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક મહત્ત્વના જંકશન પર ટ્રાફિક સમસ્યા સૌથી વધારે હતી. જેના નિરાકરણ માટે તેમના અગાઉ કામ કરી ચૂકેલા સિનિયર અધિકારીઓએ અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા હતા પરંતુ ધાર્યા મુજબની કામગીરી થઈ શકી નહોતી. જેથી તેમણે તેમના વિસ્તારમાં આવતા ઠક્કરબાપા નગર, સીટીએમ જંકશન, ડફનાળા જંકશન, હરિદર્શન ક્રોસ રોડ જંકશન, સુતરના કારખાના જંકશન, નરોડા બેઠક જંકશન, કૃષ્ણનગર જંકશન, ખોડીયારનગર જંકશન, હાટકેશ્વર જંક્શન, નરોડા મુક્તિ ધામ જંક્શન, રખિયાલ ચાર રસ્તા, ભુલાભાઈ ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તા સહિત વિસ્તારોમાં ખાસ તપાસ કરી હતી. ત્યાર બાદ પ્રોજેક્ટ અમલી કર્યો હતો.
ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને સામાન્ય સુધારા કરવાથી લોકોનો જીવ બચી શકે છે
પૂર્વ વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મહત્ત્વના જંકશન પર ટ્રાફિક મુવમેન્ટને સામાન્ય કરવી જરૂરી હતી. જેથી એક વિચાર આવ્યો કે સ્ટાફને સતત રોકવા કરતાં ટૅક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવો. જેથી ગૂગલ અર્થની મદદથી તમામ જંકશન પર લાઇવ ટ્રાફિક મુવમેન્ટને અલગ અલગ સમયે તપાસવામાં આવી હતી. જેમાં મોટાભાગના જંકશન પર ડિવાઇડર ન હોવાના કારણે વાહનચાલકો રસ્તો ક્રોસ કરતી વેળાએ વળાંક લેતા હતા અને જેના કારણે અકસ્માત સર્જાતા હતા અને ટ્રાફિક પણ થતો હતો.
આમ, તમામ જંક્શન પરના ટ્રાફિકના રિપોર્ટને આધારે મોટાભાગના ટ્રાફિક જંકશન પર ડિવાઇડર તૈયાર કરવામાં આવ્યા હતા, જેના કારણે આડેધડ વળતાં વાહન ચાલકોને થોડું ફરવું પડે તેમ હતું. આમ, તમામ જંકશન પર ડિવાઇડર લગાવવા સહિતની કામગીરી કરવાથી ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું હતું. પરંતુ આ નિર્ણયથી કેટલી સફળતા મળી છે તે જોઈએ તો અગાઉ જે ટ્રાફિક જંકશન પર ટ્રાફિક જોવા મળતો હતો તે જોવા મળ્યો નહોતો. એટલું જ નહી ફેટલ એક્સિડેન્ટ (જીવલેણ અકસ્માત)ના કેસમાં 23.90 ટકાનો જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાથેસાથે અકસ્માતના કેસમાં પણ ઓવરઓલ 8 ટકાનો ઘટાડો થયો હતો. જે બાબત દર્શાવે છે કે ગૂગલ અર્થની ટૅક્નોલૉજીથી અમદાવાદ પૂર્વના ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં નોંધપાત્ર સફળતા મળી છે.