વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા અમદાવાદના ૩૫ આયોજકોએ FIRE NOC માટે અરજી કરી

ત્રણસો રુપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આયોજકોએ બાંહેધરીપત્ર આપવુ પડશે

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા અમદાવાદના ૩૫ આયોજકોએ FIRE NOC  માટે અરજી કરી 1 - image


અમદાવાદ,સોમવાર,30 સપ્ટેમ્બર,2024

ત્રીજી ઓકટોબરથી નવરાત્રિ પર્વનો આરંભ થશે. એક અંદાજ મુજબ આ વર્ષે સોથી પણ વધુ પાર્ટી પ્લોટ ખાતે ગરબા આયોજિત કરવામાં આવશે. નવરાત્રિ પર્વ દરમિયાન શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા ૩૫ આયોજકોએ ફાયર એન.ઓ.સી. મેળવવા અરજી કરી છે. ફાયર એન.ઓ.સી.મેળવવા બે હજાર રુપિયા ચાર્જ તેમજ ગરબાના સ્થળ ઉપર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને એ માટે ત્રણસો રુપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આયોજકોએ બાંહેધરી પત્ર આપવુ પડશે.

ત્રીજી ઓકટોબરથી શરુ થઈ રહેલા નવરાત્રિ પર્વને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલુ છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે ગરબા યોજવા માંગતા આયોજકો માટે ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવી ફરજિયાત બનાવવામા આવેલી છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ, ગરબા યોજવા માટે ફાયર એન.ઓ.સી. મેળવવા માટે અરજી કરવાના પહેલા દિવસે સાંજ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ગરબા યોજવા આયોજકો તરફથી ૩૫ અરજીઓ વિભાગને મળી છે. ગરબા યોજવા માંગતા આયોજકોને ફાયર એન.ઓ.સી.તથા ઈન્સપેકશન ચાર્જ એમ કુલ મળીને બે હજાર રુપિયા ચાર્જ ભરવો પડશે. અરજીની સાથે નકકી કરવામાં આવેલ ચાર્જ  ભરનારા આયોજક તરફથી દર્શાવવામા આવેલા સ્થળ ઉપર ફાયર વિભાગના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરી ફાયર સેફટીને લગતી તમામ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામા આવી છે એ અંગે રીપોર્ટ આપશે એ પછી જ આયોજકોને ફાયર એન.ઓ.સી. ઈશ્યૂ કરવામાં આવશે.


Google NewsGoogle News