AMC એ વાહવાહી લૂંટવા ઉત્સવ-કાર્યક્રમ પાછળ કરોડો ખર્ચ્યા બાદ હિસાબ આપવામાં ઠાગાઠૈયા
Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્સવ,કાર્યક્રમ અને તહેવારોની ઉજવણી પાછળ વર્ષ-2022-23માં રુપિયા 45.11 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી ખર્ચ કર્યો છે. મ્યુનિ.ના પબ્લિસીટી વિભાગ તરફથી મ્યુનિ.તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવતા તમામ પ્રકારના કાર્યક્રમો માટે પ્રચાર-પ્રસાર સહીત કાર્યક્રમ અંગે આનુષાંગિક ખર્ચ કરાય છે.
આટલી મોટી રકમનો ખર્ચ કરવા પ્રવૃતિ દીઠ પબ્લિસીટી વિભાગને મળેલી મંજૂરીની વિગત મ્યુનિસિપલ કોર્પોરેશનના જ અન્ય વિભાગને આપવામાં નહીં આવતી હોવાની વિગત બહાર આવી છે. તંત્ર અને સત્તાધીશો માટે વાહ-વાહ અને પ્રશંસા મેળવવા માટે પબ્લિસિટી વિભાગ તરફથી કરવામાં આવતા ધૂમ ખર્ચની આ અગાઉ વર્ષ-2018થી વર્ષ-2022 સુધી કરવામાં આવેલા ખર્ચની વિગત પણ મ્યુનિ.ના જ એક વિભાગને આપવાના બદલે છૂપાવાઈ રહી હોવાની મ્યુનિ.તંત્રમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિસીટી વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારની અનિયમિતતા ચાલી રહી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.ટેન્ડર વગર કરવામાં આવતી કામગીરી માટે મ્યુનિ.ના નાણાં વિભાગના પરિપત્ર મુજબ રુપિયા ત્રણ લાખ સુધીની મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે. આમ છતાં પબ્લિસીટી વિભાગ દ્વારા વર્ષ-2018માં એક બિલ પેટે રુપિયા 17.58 લાખનો ખર્ચ કરાયો હોવાનું બહાર આવતા મ્યુનિ.ના એક વિભાગ તરફથી આટલી મોટી રકમનો ખર્ચ કરવા પબ્લિસીટી વિભાગને સક્ષમસત્તાની મળેલી મંજૂરીની વિગત અને તેના પુરાવા માંગવામાં આવ્યા હતા.જે આજદિન સુધી જે તે વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી રુપિયા 45.11 કરોડ જેટલી રકમનો ખર્ચ પબ્લિસીટી વિભાગ તરફથી વર્ષ-2022-23માં વાર્ષિક મહોત્સવ, તહેવારો,ઉજવણી અને અન્ય પ્રસંગોએ કરવામાં આવ્યો હતો. જેમાં કઈ-કઈ એકટિવીટી અંગે કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે એ અંગે એકટિવીટી વાઈઝ વિગત પણ આ વિભાગ તરફથી મ્યુનિ.ના અન્ય એક વિભાગને આપવામાં આવતી નથી.વર્ષ-2018થી વર્ષ-2022-23 સુધીના વિભાગ તરફથી કરવામાં આવેલા ખર્ચ અંગેના હિસાબ નિયત ફોર્મેટમાં બનાવીને રજૂ કરવામાં આવતા નથી.