Get The App

નકલી લવાદ મોરિસ સેમ્યુઅલ ક્રીશ્ચ્યને AMC ની નારોલ-શાહવાડીની પાંચ જમીનના બારોબાર ઓર્ડર કર્યા

૨.૪૭ લાખ ચો.મી.જગ્યા સહીત પાંચ જમીનને લઈ લીગલ વિભાગ ઉંઘતુ ઝડપાયુ, લીગલ કમિટીએ વિગતો આપવી પડી

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
નકલી લવાદ મોરિસ સેમ્યુઅલ ક્રીશ્ચ્યને AMC ની નારોલ-શાહવાડીની પાંચ જમીનના બારોબાર ઓર્ડર કર્યા 1 - image


અમદાવાદ,મંગળવાર,22 ઓકટોબર,2024

ગાંધીનગરમાં નકલી લવાદ તરીકે કામ કરતા મોરિસ સેમ્યુઅલ ક્રીશ્ચ્યને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારોલ-શાહવાડીમાં આવેલી પાંચ જમીનના બારોબાર ઓર્ડર કરી દીધા હોવાની ચોંકાવનારી વિગત ખુલવા પામી છે. પાંચ જમીન પૈકી એક જમીન ૨.૪૭ લાખ ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે.પાંચ જમીનના બારોબાર નકલી લવાદ દ્વારા લાભાર્થી વિનસેન્ટ  ઓલીવર કાર્પેન્ટરની  તરફેણમાં વર્ષ-૨૦૧૮માં ઓર્ડર કરી દેવાયાની બાબતમાં મ્યુનિ.નું લીગલ વિભાગ ઉંઘતુ ઝડપાયુ હતુ. મંગળવારે મળેલી લીગલ કમિટીની બેઠકમાં ચેરમેને વિગતો આપ્યા બાદ લીગલ વિભાગ સફાળુ જાગ્યુ હતુ. આજે સીટી સિવિલ કોર્ટમાં આ મામલે એકઝીકયુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

નકલી લવાદ તરીકે કામ કરતા ભેજાબાજ એવા મોરિસ ક્રીશ્ચ્યન દ્વારા અમદાવાદના નારોલ-શાહવાડી વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રુપિયાની કિંમતની  ખુલ્લી જમીનના બારોબાર ઓર્ડર કરી દીધા હોવા છતાં લીગલ વિભાગના અધિકારીઓ પાસે આ અંગે વિગત જ નહતી.લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ,નારોલ-શાહવાડી વિસ્તારમાં સર્વે નંબર-૧૦૨, ૧૦૭ ઉપરાંત ૧૧૭, ૧૧૮ તથા સર્વે નંબર-૧૩૮ની જમીનના નકલી લવાદ તરીકે મોરિસ સેમ્યુઅલ ક્રીશ્ચયન દ્વારા ઓર્ડર કરી દેવામાં આવ્યા હતા. આ પૈકી સર્વે નંબર-૧૦૨ની જમીનનું કુલ ક્ષેત્રફળ ૨.૪૭ લાખ ચોરસ મીટર છે.સર્વે નંબર-૧૧૭નું ક્ષેત્રફળ ૭૧૮૩ ચોરસ મીટર છે.ઓર્ડર થઈ ગયા પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગમાં કોઈએ આ ઓર્ડર સાચા છે કે નકલી તે ચકાસવાની કોશીશ કરી નહતી. જે ઓર્ડર કરવામાં આવ્યા હતા.એ જો ધ્યાનથી વાંચવામાં આવ્યા હોત તો પણ વિભાગના અધિકારીઓને ઘણી વિગત મળી શકી હોત.કેમકે  જે ઓર્ડર કરવામાં આવ્યા છે એમાં અંગ્રેજી સ્પેલિંગમાં પણ ઘણી ભૂલો જોવા મળી રહી છે. લીગલ વિભાગે આ ઓર્ડર સિટી સિવિલ કોર્ટમાં પણ રજૂ કરી દેવામાં આવ્યા હતા.સિટીસિવિલ કોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની પાંચ જમીનને લઈ વર્ષ-૨૦૧૮માં ઓર્ડર કરવામાં આવ્યા બાદ વર્ષ-૨૦૧૯થી અરજી પેન્ડિંગ હતી.જેનુ એકઝીકયુશન સિટી સિવિલ કોર્ટમાં  આજે હાથ ધરાશે.

મ્યુનિ.ની કઈ કઈ જમીનનુ એકિઝીકયુશન હાથ ધરાશે

૧.શાહવાડી સર્વે નંબર-૧૦૨, આર્બીટ્રેશન  કેસ નંબર-૪૫-૨૦૧૮

૨.શાહવાડી સર્વે નંબર-૧૦૭, આર્બીટ્રેશન કેસ નંબર-૪૬-૨૦૧૮

૩.શાહવાડી સર્વે નંબર-૧૧૭, આર્બીટ્રેશન કેસ નંબર-૪૭-૨૦૧૮

૪.શાહવાડી સર્વે નંબર-૧૧૮, આર્બીટ્રેશન કેસ નંબર-૪૮-૨૦૧૮

૫.શાહવાડી સર્વે નંબર-૧૩૮,આર્બીટ્રેશન કેસ નંબર-૪૯-૨૦૧૮

૧૦૪ કરોડના આર્બીટ્રેશન ઓર્ડર અગાઉ મ્યુનિ.ની વિરુધ્ધમાં આવેલા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેકટ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેન્ટ્રલ ઓફિસ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, વોટર પ્રોજેકટ, રોડ પ્રોજેકટ,ઈજનેર ,બ્રિજ તથા ડ્રેનેજ વિભાગ સામે કોમર્શિયલ કોર્ટમાં અપીલ કરવામાં આવ્યા બાદ આર્બીટ્રેશન સુધી મામલો પહોંચતા રુપિયા ૧૦૪ કરોડના ઓર્ડર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુધ્ધમાં આવેલા છે.

મ્યુનિ.તંત્રે આર્બીટ્રેશનની કલમ ટેન્ડર-કરારમાંથી દુર કરી છે

આર્બીટ્રેશન એક લવાદી પ્રક્રીયા છે.જેમાં કોઈ કોન્ટ્રાકટર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ વિભાગ વચ્ચે વિવાદ થાય ત્યારે મધ્યસ્થી તરીકે લવાદી પ્રક્રીયા કરી તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. જે કોઈ કોર્ટ કેસ નથી ફકત લવાદી પ્રક્રીયા છે.આ પ્રક્રીયા મ્યુનિ.દ્વારા કરવામાં આવતા ટેન્ડર-કરારમાંથી દુર કરવા થોડા સમય પહેલા જ તંત્રે નિર્ણય કરી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના  તમામ વિભાગોને સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News