ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર, આ વર્ષે ઑગસ્ટમાં સૌથી વધુ કેસ
Heart Attack Case in Gujarat : ગુજરાતમાં હૃદયને લગતી ઇમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત્ છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઇમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઇમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઇમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે.
ઇમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઑગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે એક જ મહિનામાં 7 હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચ, મે અને જુલાઈમાં બન્યું છે.
આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઇમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જૂનાગઢ 2006 સાથે સાતમા સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે.
બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં આ વર્ષે 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઇન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે 317 દર્દીમાં બલૂન, 1038માં ડિવાઇસ, 860માં પેસમેકર, 5189માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મૂકવામાં આવેલા છે.
કયા જિલ્લામાંથી હૃદયની ઇમરજન્સીના સૌથી વઘુ કેસ
જિલ્લો | કેસ |
અમદાવાદ | 16200 |
સુરત | 4491 |
રાજકોટ | 3578 |
વડોદરા | 2797 |
ભાવનગર | 2754 |
ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં હૃદયની સમસ્યાના ઈમરજન્સી કેસ
મહિનો | ગુજરાત | અમદાવાદ |
જાન્યુઆરી | 6719 | 1938 |
ફેબ્રુઆરી | 6656 | 1950 |
માર્ચ | 7029 | 2050 |
એપ્રિલ | 5907 | 1705 |
મે | 7175 | 2149 |
જૂન | 6561 | 1992 |
જુલાઈ | 7133 | 2124 |
ઑગસ્ટ | 7541 | 2294 |
કુલ | 54,721 | 16,200 |
(* 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર.)