તંત્ર-રાજકારણીઓ વચ્ચે પીસાતા રહીશો, નારણપુરા રોડ કપાતનો નિર્ણય મોકૂફ જ કરાયો છે,ધારાસભ્ય
સ્થાનિક રહીશો કાયમી નિર્ણયની આશા રાખે છે એ ઠગારી નિવડે એવા સંકેત
અમદાવાદ,શુક્રવાર,17 ફેબ્રુ,2023
નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના ૧.૫ કિલોમીટર
સુધીના ૮૦ ફૂટના રોડને ૧૦૦ ફૂટનો કરવાના તંત્રના નિર્ણય બાદ સ્થાનિક રહીશો તંત્ર
અને રાજકારણીઓ વચ્ચે પીસાઈ રહયા છે.સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગતે નારણપુરામાં રોડ
કપાતનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રખાયો હોવાનુ કહેતા રહીશો જે રોડ કપાતનો નિર્ણય
કાયમ માટે સ્થગિત કરવામાં આવે એવી આશા રાખીને બેઠા છે એ ઠગારી નિવડે એવા સ્પષ્ટ
સંકેત મળી રહયા છે.
નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના રોડ ઉપર કપાત કરી
૧૦૦ ફૂટનો કરવાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હોવાની ગુરુવારે
પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ
ગણતરીના કલાકોમાં સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગતે મિડીયાને સંબોધતા કહયુ,નારણપુરા
ક્રોસીંગથી ટી.પી.રોડનુ અમલીકરણ કરવાનુ આયોજન વર્ષ-૨૦૦૨થી કરવામાં આવેલુ છે.લોકોની
લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો
છે.બિલ્ડરોને લાભ કરાવવા રોડ કપાતનો નિર્ણય કરવામા આવ્યો હોવાની વાતો હીત ધરાવતા
તત્વો દ્વારા કરવામાં આવી રહી છે.ભાજપ એ હંમેશા લોકોની સાથે રહેલી પાર્ટી હોવાથી
કપાતનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.દરમિયાન રોડ કપાતને લઈ આંદોલન
કરી રહેલા સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ,તેઓ
આંદોલન ચાલુ રાખશે.વિવિધ સ્થળે મુકવામાં આવેલા બેનરો ઉતારવામાં આવશે નહીં.અમારે
કાયમી ઉકેલ જોઈએ છે.તંત્રના અધિકારીઓના કહેવા પ્રમાણે, રોડ કપાત કરવાની
કામગીરી કરવાની થશે તે અગાઉ અસરગ્રસ્તોને અગાઉથી જાણ કર્યા બાદ અમલ કરવામાં આવશે.