ઘટનાને પગલે મોલમાં દોડધામ મચી હતી, હિમાલયા મોલની ઓફિસના એ.સી. માં આગ લાગતા મોલ ખાલી કરાવાયો
મોલના ચોથા માળ ઉપર આવેલી ઈન્ટિરિયર ડિઝાઈનની ઓફિસમાં આગને પગલે એલાર્મ સિસ્ટમ એકટિવેટ કરવામાં આવી હતી
અમદાવાદ,બુધવાર,8
જાન્યુ,2025
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલના ચોથા
માળ ઉપર આવેલી ઈન્ટિરિયર ડિઝાઈનની ઓફિસમાં બુધવારે બપોરે એ.સી.ના કોમ્પ્રેસરમાં આગ
લાગી હતી. આ ઘટનાને પગલે મોલમાં દોડધામ મચી જવા પામી હતી.આગ લાગતા ફાયર વિભાગને
જાણ કરવાની સાથે મોલમાં રાખવામાં આવેલી એલાર્મ સિસ્ટમ એકટિવેટ કરવામાં આવતા મોલમાં
રહેલા લોકો બહાર નીકળી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર સહીતના છ વાહન સાથે
એ.સી.ના કોમપ્રેસરમાં લાગેલી આગ હોલવી દીધી હતી. આગ લાગવાના કારણે ઓફિસમાં
રાખવામાં આવેલુ ફર્નિચર,કાગળો
સહીતના દસ્તાવેજ ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહતી.
વસ્ત્રાપુર ખાતે આવેલા હિમાલયા મોલના ચોથા માળ ઉપર આવેલી
ઓફિસમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને બપોરે ૨.૪૫ કલાકે મળતા નવરંગપુરા,બોડકદેવ,પ્રહલાદનગર
તથા અન્ય ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટર
સહીતના અન્ય વાહન સાથે અધિકારીઓ સ્ટાફ
સાથે મોલ ખાતે પહોંચ્યા હતા. આગ હોલવવાની કામગીરીમાં જોડાયેલા ફાયરના અધિકારીના
કહેવા મુજબ,મોલના
ચોથા માળ ઉપર આવેલી જે ઓફિસમાં આગ લાગી હતી. એ સાઈડમાં હોવાથી બીજી કોઈ ઓફિસને
આગથી નુકસાન થવા પામ્યુ નથી.ચોથા માળ ઉપરની ઓફિસમાં લાગેલી આગ હોલવવા મોલની સિસ્ટમનો
ઉપયોગ કરવામાં આવ્યો હતો.ફાયર વિભાગની ટીમ મોલ ખાતે પહોંચી એ પહેલા મોલમાં એલાર્મ
સિસ્ટમ એકટિવ કરાતા મોલમાં રહેલા લોકો જાતે જ બહાર આવી ગયા હતા.પચ્ચીસ મિનીટમાં
ફાયર વિભાગે આગ હોલવવાની કામગીરી પુરી કરી લીધી હતી.મોલમાં આગ લાગવાની ઘટનાને પગલે
આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.