Get The App

વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં ૧૦૦૦ ટન કચરામાંથી હવે ૧૫ મેગાવોટ વીજળી મળતી થશે

પંદર મેગાવોટ ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહમંત્રી આવતી કાલે શુક્રવારે આરંભ કરાવશે

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News

     વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત  અમદાવાદમાં ૧૦૦૦ ટન કચરામાંથી હવે ૧૫ મેગાવોટ વીજળી મળતી થશે 1 - image

  અમદાવાદ,બુધવાર,30 ઓકટોબર,2024

વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં ૧૦૦૦ ટન કચરામાંથી હવે  ૧૫ મેગાવોટ વીજળી મળતી થશે. પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧ નવેમ્બરને શુક્રવારે આરંભ કરાવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા ઘન કચરા પૈકી દૈનિક એક હજાર ટન કચરાને પ્રોસેસ કરી વીજળી ઉતપન્ન કરવા જીંદાલ  અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્લાન્ટ શરુ કરવા વર્ષ-૨૦૧૬માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પ્લાન્ટ શરુ કરવાની સમય મર્યાદામાં નવેમ્બર-૨૦૨૪ સુધીનો વધારો કરી આપવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટને આરડીએફ બેઈઝ ઈન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઈલરમાં વેસ્ટ ઈન્સીનરેટ કરી ૬૫ ટીએચપી સ્ટીમ જનરેટ કરવામાં આવશે.આ સ્ટીમ વડે પંદર મેગાવોટ   પ્રતિ કલાકની ક્ષમતાના ટર્બાઈન મારફતે પંદર મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉતપન્ન કરવામાં આવશે.ઉતપન્ન થનારી વીજળી જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરાશે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા એજન્સીને પ્રતિ કિલો હોર્સ રુપિયા ૬.૩૧ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ કિલો હોર્સ રુપિયા ૦.૭૬ વાયેબીલીટી ગેપ ફંડ તરીકે આપવામાં આવશે.

પીરાણા ડમ્પસાઈટ ઉપરથી ઉડતી ધૂળને અટકાવવા ફાયરના વાહનો દ્વારા પાણી છંટકાવ

૧ નવેમ્બરને શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી પીરાણા-પીપળજ રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટનો આરંભ કરાવશે. આ અગાઉ અમદાવાદ ફાયર વિભાગ તરફથી પીરાણા ડમ્પ સાઈટ ઉપરથી ઉડતી ધૂળને અટકાવવા વીસ હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતા ગજરાજ, વોટર ટેન્કર જેવા વાહનોની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે. બુધવારે શહેરના અલગ અલગ ફાયર સ્ટેશન ઉપરથી આઠ જેટલા વાહનો દ્વારા ડમ્પસાઈટ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


Google NewsGoogle News