ગુજરાતમાં 132 વર્ષ જૂના ઐતિહાસિક બ્રિજને જંગી ખર્ચે રિપેરિંગ કરવાનો તંત્રનો અણઘડ નિર્ણય, ઊઠ્યાં સવાલો
Image: Wikipedia |
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરોના રોડઝ અને બ્રિજના નિર્માણમાં અણઘડ વહિવટના નમૂનાઓ રોજેરોજ પ્રકાશમાં આવતા રહે છે. આવી જ એક વધુ બાબત બનવા જઈ રહી છે, કોઈપણ જાતના ચોક્કસ અને નક્કર આયોજન વગર જ રૂપિયા 26.78 કરોડના જંગી ખર્ચે ઐતિહાસિક અને અમૂલ્ય હેરિટેજ વારસો ધરાવતા લોખંડની કમાનવાળા એલિસબ્રિજનું રિનોવેશનનું કામ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. રિનોવેશન બાદ આ બ્રિજનો ઉપયોગ લોકો પગે ચાલતા પસાર થાય કે બ્રિજની કમાન નજીક ગોઠવેલી બેન્ચો પર બેસે તે માટે થવાનો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે રોજ જે રોડની બંન્ને તરફ 2.30 લાખ વાહનો આવ-જા કરે છે, તેવા ભરચક ટ્રાફિકને વીંધીને લોકો વચ્ચે કમાનવાળા બ્રિજમાં એન્ટ્રી કઈ રીતે કરશે તેનું કોઈ જ આયોજન કે સ્પષ્ટતા ડિગ્રીધારી એન્જિનિયરો પાસે નથી.
આ પાયાનો પ્રશ્ન હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને તેમના 11 અભ્યાસુ સભ્યોએ કોઈપણ પ્રશ્ન પૂછ્યા વગર જ દરખાસ્તને મંજુરીની મહોર મારી દીધી છે. બીજી આં છ આંખ ફાટી જાય તેવી બાબત એ છે કે એન્જિનિયરોએ રૂપિયા 19.61 કરોડનો ખર્ચ બ્રિજના રિનોવેશન માટે અંદાઝ્યો હતો, જેની સામે ટેન્ડર થોડું ગણું નહીં 38.60 ટકા ઉંચું રૂપિયા 27.28 કરોડનું રાજકમલ બિલ્ડર્સે ભર્યું છે. જે રકમ વાટાઘાટો બાદ 29.78 કરોડ નક્કી કરાઈ છે. જો કે તેમા પણ વધારો થશે. મ્યુનિસિપલ માંટે ટેન્ડરની રકમ છેડે જતા અનેકગણી વધી જતી હોય છે અને એ અંગે કોઈ જ કોઇને કશું પૂછતું પણ નથી!
આ ઉપરાંત એન્જિનિયરોએ કબુલ્યું કે, જુના બ્રિજના રીપેરીંગની આર્વી કામગીરી પહેલી વખત હાથ ધરવામાં રોડ-બ્રિજ ખાતાને હેરિટેજ આવે છે. રોડ-બ્રિજની રીપેરીંગનો અનુભવ ખૂબ જ ઓછો છે, એટલે કોઈ પ્રશ્ન ઊભો થશે તે વિષય નિષ્ણાંતની મદદ લેવામાં આવશે તેમજ સ્ટ્રકચર ડિઝાઈનના પ્રૂફ ચેકીંગની કામગીરી નામાંકિત ઈન્સ્ટીટયુશન દ્વારા કરાવવામાં આવશે. 'કોઈ પ્રશ્ન ઉભો થાય તો' એવા શબ્દો પ્રયોજ્યા છે, તેને અર્થ એ થયો કે કેવા પ્રશ્નો ઉભા થઈ શકે છે તેનો અભ્યાસ કે અંદાજ પણ એન્જિનિયરોને નથી. પ્રશ્ન ઉઠે તો કેટલો ખર્ચ વધશે તેનો અંદાજ પણ નથી. આ અંગે એક તજજ્ઞએ જણાવ્યું કે તમામ ચકાસણી અને પ્રશ્નો ટેન્ડર બહાર પડતાં પહેલાં જ ચકાસી લેવા જોઈએ. સૌથી મહત્વની ગણાય તે 132 વર્ષ જૂના બ્રિજના ફાઉન્ડેશન સહીતના તમામ ભાગોની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી થવી જોઈએ તે જ થઈ નથી. આટલા જુના ઐતિહાસિક બ્રિજના રીપેરીંગની કામગીરી હાથ ધરાય તે પહેલાં અંદાજ, ડ્રોઈંગ, સ્ટ્રકચર સ્ટેબિલિટી સહિતની તમામ બાબતો આઈઆઈટી રૂરકી જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓ કે રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ પાસે ચેક કરાવવી જોઈએ તે પણ થયું છે કે નહીં તે સ્પષ્ટ નથી. અગાઉ એક નામી સંસ્થાએ બ્રિજના રિપેરીંગ અંગે 'નોટ ફિઝીબલ'નો રિપોર્ટ આપ્યો હોવાની બાબત બહાર આવી છે, તેમના કારણો પણ તપાસવા જોઈએ; જે થયું નથી, જેના કારણે કાચુ કપાવાની પુરી સંભાવના છે.
એલિસબ્રિજનો ગૌરવવંતો ઇતિહાસ
સાબરમતી નદી પર 1892માં એટલે કે 132 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસનકાળમાં એક અંગ્રેજ અધિકારી દ્વારા એલિસબ્રિજ બંધાયો હતો. બન્ને તરફ વધતી વસ્તીની આવ-જા માટે અંગ્રેજ અધિકારીને વિચાર આવ્યો હતો કે એક બ્રિજ બંધાવો જોઈએ. આ માટે યોજના ઘડાઈ જે એક વર્ષ પડી રહી. બીજા વર્ષે કાર્યાન્વીત થઈ અને લગભગ 4 લાખના ખર્ચે આ ઐતિહાસિક બ્રિજ અસ્તીત્વમાં આવ્યો. એલિસ નામને એક અંગ્રેજ અમદાવાદને ચાહતો હતો, તેથી બ્રિજના નામ સાથે તેનું નામ જોડાયું એલિસબ્રિજ ઉપરાંત બ્રિજના પશ્ચિમ છેડે આવેલા વિસ્તારનું નામ પણ એલિસબ્રિજ પડ્યું. અતિશ વોર મેયર હતા ત્યારે તેમણે 'એલિસબ્રિજ' તોડી નાખવાની મુર્ખામીભરી જાહેરાત કરી હતી, ત્યારે તે સમયના મુખ્યમંત્રીએ તેમને ઠપકો આપ્યો હતો. બાદમાં એ પ્લાનનું સૂરસૂરિયું થઈ ગયું હતું. સાબરમતી પર બંધાયેલો આ સૌથી પહેલો બ્રિજ છે.
ઉભા થતા મહત્ત્વના પ્રશ્નો
• લોકો ચાલવા માટે કે બેસવા માટે વચ્ચે જશે કઇ રીતે ? આખા વિશ્વમાં વચ્ચે ચાલવાનો રસ્તો બન્ને તરફના ટ્રાફિકની વચ્ચે ક્યાંય જોયો છે ખરો? બેન્ચો ઉપર કોણ બેસશે કેમ કે ત્યાં દિવસે ક્યાંય છાંયો નહીં હોય અને બંને તરફ ધુમાડા અવાજનું પ્રદૂષણ હશે!
• રાત્રે કોઈર સારા લોકો બેસવા જશે નહીં અને અસામાજીક તત્ત્વોનો અડ્ડો બનવા માંડશે, આવી પ્રાથમિક બાબતો કેમ વિચારાઈ નથી?
• કોરોનાના સમય દરમ્યાન રાજ્ય સરકારે એલિસબ્રિજ પર હેરિટેજ બાબતોના નિર્માણ માટે 28 કરોડ મંજુર કર્યા હતા. શું આ રકમ હેરિટેજના બદલે રિપેરીંગમાં વપરાવાની છે!