ફાયર વિભાગનો સ્ટાફ સતત દોડતો રહયો , અમદાવાદમાં દિવાળીની રાતે આગ લાગવા અંગેના ૮૮ બનાવ બન્યાં

૨૪ કલાકમાં વિવિધ વિસ્તારમાં આગ લાગવાના ૧૩૭ બનાવ,કોઈ ઈજા-જાનહાનિ નહીં

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News

       ફાયર વિભાગનો સ્ટાફ સતત દોડતો રહયો , અમદાવાદમાં દિવાળીની રાતે આગ લાગવા અંગેના ૮૮ બનાવ બન્યાં 1 - image

 અમદાવાદ,સોમવાર,13 નવેમ્બર,2023

અમદાવાદમાં દિવાળી પર્વની એક જ રાતમાં આગ લાગવા અંગેના ૮૮ બનાવ બનતા ફાયર વિભાગનો સ્ટાફ રાતભર આગ લાગવાના સ્થળે આગ બુઝાવવા સતત દોડતો રહયો હતો.૨૪ કલાકમાં આગ લાગવાના ૧૩૭ બનાવ બનવા પામ્યા હતા.ત્રણ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવા અંગેના ૨૧૦થી પણ વધુ બનાવ બન્યા હતા.સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી નહોતી.

અમદાવાદમાં ૧૦ નવેમ્બરને ધનતેરસના દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આગ લાગવાના ૨૮ બનાવ બન્યા હતા.૧૧ નવેમ્બરને કાળી ચૌદશના દિવસ દરમિયાન આગ લાગવા અંગેના ૪૨ બનાવ બનવા પામ્યા હતા.૧૨ નવેમ્બરને દિવાળીની રાતે ૧૦ થી સવારના ૬ કલાક સુધીના સમયમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આગ લાગવા અંગેના કુલ મળીને ૮૮ બનાવ બનવા પામ્યા હતા.શહેરના ન્યૂ વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણપાર્ક-૩ની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં ફટાકડાથી આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર,ગજરાજ સહિતના અન્ય વાહનોની મદદથી આગને કાબુમાં લીધી હતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલા વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ.શહેરના વિવિધ વિસ્તારમાં ફટાકડાના કારણે આગ લાગવાના ૨૧૦થી વધુ કોલ ફાયર વિભાગને મળ્યા હતા.

બોપલના ફલેટની ૧૧ મા માળની ગેલેરીમાં રોકેટથી આગ લાગી

બોપલમાં આવેલા બાઈનોરી ફલેટના ૧૧મા માળે આવેલી ગેલેરીમાં રોકેટ પડતા દિવાળીની રાતે ૧૨.૩૦ કલાક આસપાસના સમયે  આગ લાગતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનીટોમાં આગ બુઝાવી દીધી હતી.શહેરના સુરધારા સર્કલ પાસે આવેલા મેપલ-થ્રીના બીજા માળે ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની હતી.આ બનાવમાં પણ ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી જઈ આગ બુઝાવી દેતા ઈજા કે જાનહાની ટાળી શકાઈ હતી.


Google NewsGoogle News