Get The App

શોપિંગ ફેસ્ટિવલનો મંડપ નમી ગયો, સિંધુભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલમાં વરસાદથી ભારે નુકસાન

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
શોપિંગ ફેસ્ટિવલનો મંડપ નમી ગયો, સિંધુભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલમાં વરસાદથી ભારે નુકસાન 1 - image


Ahmedabad shopping festival:  અમદાવાદમાં સોમવારે સવારે ભારે ગાજવીજ સાથે સવારના 6થી 9 કલાક સુધી વરસેલા વરસાદના પગલે ભારે વરસાદ સિંધુભવન રોડ ઉપર યોજવામાં આવેલો શોપિંગ ફેસ્ટિવલ વરસાદી પાણીમાં ધોવાયો હતો. શોપિંગ ફેસ્ટિવલના એન્ટ્રેન્સથી સ્ટોલ સુધી વરસાદી પાણી ભરાયા હતા.વરસાદના કારણે શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થવા પામ્યુ હતુ. આ ઉપરાંત હેલોજન લાઈટો અને વાયરીંગને પણ નુકસાન થયું હતું. શોપિંગ ફેસ્ટિવલનો મંડપ નમી ગયો હતો.હેલમેટ ચાર રસ્તા સહીતના અનેક રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. શહેરમાં ત્રણ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા.

જોધપુરમાં 22 મિલીમીટર, સાયન્સ સિટી અને ગોતામાં 20 મિલીમીટર વરસાદ પડયો હતો.સરેરાશ 4.9 મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ 39.56 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે શહેરમાં અસહય ઉકળાટ પછી વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે શહેરના નદીપારના વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

દરમિયાન સિંધુભવન રોડ ઉપર આયોજિત કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલના સ્થળે વરસાદી પાણી ફરી વળતા શોપીંગ ફેસ્ટિવલના એપ્રોચ રસ્તા ઉપર વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને પમ્પ મુકી ભરાયેલા વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી. શોપિંગ ફેસ્ટિવલમાં મંડપ નમી ગયો હતો. સોમવારે સવારે પશ્વિમના વિસ્તારોમાં વરસાદનુ પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ. જેના કારણે હેલમેટ ચાર રસ્તા ઉપરાંત મેમનગર ગામ તેમજ વિજય ચાર રસ્તા સહીતના વિવિધ રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

શહેરના સુરધારા સર્કલથી એસ.જી.હાઈવે સર્વિસ રોડ ઉપરાંત સનસીટી બોપલ સહીતના રોડ ઉપર વરસાદી પાણી ભરાતા મ્યુનિસિપલ તંત્ર પાણી નિકાલ માટે દોડતુ થયુ હતુ. શહેરના સંજીવની હોસ્પિટલ રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડયો હતો. સાઉથ બોપલમાં ગાલા જીમખાના તથા બોપલ ફાયર સ્ટેશન પાસે વૃક્ષ ધરાશાયી થવા અંગેના ફાયર વિભાગને કોલ મળ્યા હતા.બોડકદેવમાં 14 મિલીમીટર, જોધપુરમાં 22.50 મિલીમીટર,બોપલમાં 12 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.


Google NewsGoogle News