ખ્યાતિનો ખૂની ખેલ: PMJAY હેઠળ ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન, 112નાં મોતનો ઘટસ્ફોટ
Khyati Hospital Controvosey : ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આરોપીઓ દ્વારા દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતુ. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને મેડિકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડિરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર ન હોવા છતાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એ પછી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડમાં પ્રથમ દિવસે બે વ્યક્તિના મોત બાદ આ હોસ્પિટલમાં જ સ્ટેન્ટ મૂકાવી શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હોવાની કુલ પાંચ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના અલગ-અલગ કેસ પણ સામે આવ્યા હતા અને તેમાં કુલ 11 વ્યક્તિ મૃત્યુ પામી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો: પાડોશી રાજ્યો પાસેથી શીખો! PMJAY માં કરોડોના કૌભાંડ છતાં ગુજરાતની માત્ર 5 હોસ્પિટલ સસ્પેન્ડ
અત્યાર સુધીની તપાસમાં હજુસુધી માત્ર હોસ્પિટલના ડોક્ટર, સીઈઓ અને સંલગ્ન અધિકારીઓની જ ધરપકડ થઈ છે. કેન્દ્ર સરકારની ગરીબો માટેની પીએમજેએવાય યોજનાની ગેરરીતિ, ખ્યાતિ હોસ્પિટલને મળતી ખાસ સવલતો અંગે કોઈ સરકારી અધિકારીની સંડોવણી બહાર નથી આવી. ખ્યાતિની આ ખૂની ખેલની તપાસ મંથર ગતિએ ચાલી રહી હોય એવી પણ ચર્ચા છે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં 1લી સપ્ટેમ્બર 2021થી 28 ઓક્ટબર 2024 દરમિયાન કુલ 8534 દર્દીઓએ સારવાર લીધી હતી. જે પૈકી 3842 દર્દીઓને પીએમજેએવાય હેઠળ અલગ અલગ બિમારીની સારવાર આપવામાં આવી હતી અને પીએમજેએવાય હેઠળ સારવાર લેનાર દર્દીઓ પૈકી 112 દર્દીઓના ઓપરેશન કે સારવાર દરમિયાન અને સારવાર બાદ મોત નીપજ્યા હતા. આ આંકડો ગંભીર છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને મેડિકલ એક્સપર્ટની ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરીને તમામ મૃતક દર્દીઓના રિપોર્ટ, સારવાર સહિતની વિગતો તપાસવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફે નિવેદન આપ્યા હતા કે પીએમજેએવાય હેઠળ માત્ર નાણાં કમાવવાનો ઉદેશ હોવાથી ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવવામાં આવતી હતી. જેથી 112 દર્દીઓના મોત પણ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાથી આ મામલે ગંભીરતાથી તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે.
આ પણ વાંચો: ખ્યાતિમાં સારવાર કરાવનારા દર્દીની વ્યથા: 'સંપૂર્ણ સ્વસ્થ હતો છતાં બ્લોકેજ છે એમ કહી સ્ટેન્ટ નાખી દીધું'
બીજી તરફ પીએમજેએવાય યોજનાના અને બજાજ એલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, હોસ્પિટલને નુકશાનમાં બતાવવા માટે ઓડિટ રિપોર્ટમાં ગોટાળા પણ કરાયા હતા. જેથી દિશામાં પણ અનેક વિગતો સામે આવી છે.
હોસ્પિટલના એક માત્ર તબીબ ડાયરેકટર ડો.સંજય પટોળીયાની રિમાન્ડ અરજીની સુનાવણી દરમ્યાન ક્રાઇમ બ્રાંચ તરફથી બહુ મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરાયો હતો કે, આરોપીઓ દ્વારા હોસ્પિટલની દોઢ કરોડ રૂપિયાની ખોટનો ઓડિટ રિપોર્ટ પણ કાવતરાના ભાગરૂપે તૈયાર કરાયો હતો, જેથી તપાસના કામે આ ઓડિટ રિપોર્ટ સહિતના અન્ય મહત્ત્વના દસ્તાવેજો કબ્જે કરવાના છે. ક્રાઈમ બ્રાન્ચની રજૂઆત સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ડો.સંજય પટોળીયાને સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
આરોપીઓ પકડવા ક્રાઈમ બ્રાન્ચની પોલીસી આગોતરા જામીન માટે સમય આપો, નામંજૂર થાય તો શરણે થાવ
ખ્યાતિ હોસ્પિટલકાંડ જેવા ગંભીર કેસની તપાસ પોલીસ કમિશનર જી એસ મલિકે ક્રાઈમ બ્રાન્ચને સોંપી ત્યારે એવું હતું કે આકાશ પાતાળ એક કરીને આરોપીઓને પકડતી ક્રાઈમ બ્રાન્ચ ઝડપથી આરોપીઓને ઝડપી લેશે. પરંતુ, ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ટીમ કામ કરતી હોવા છતાંય, મોટાભાગના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા બાદ જ નાટકીય રીતે ધરપકડ થતી હતી. એટલુ જ નહી આ કેસમાં પીએમજેએવાય અને આરોગ્ય વિભાગના શંરકાસ્પદ કર્મચારીઓ સામે પણ હજુ સુધી કાર્યવાહી થઇ શકી નથી. આમ, સમગ્ર કેસની તપાસમાં માત્ર આરોપીઓને કાયદાકીય છટકબારી અપાવવા માટે પુરતો સમય અપાયાની ચર્ચા છે.