Get The App

વર્લ્ડ બેન્ક ફંડીગથી રાજયમાં સૌથી વધુ ક્ષમતાનો પ્લાન્ટ બનશે, નવા પીરાણા ખાતે ૫૯૯ કરોડના ખર્ચે ૪૨૪ MLD ક્ષમતાનો STP બનાવાશે

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારવા, નદીમાં છોડાતા અનટ્રીટ પાણીનો પ્રશ્ન ઉકેલાવાની વકી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ બેન્ક ફંડીગથી રાજયમાં સૌથી વધુ ક્ષમતાનો પ્લાન્ટ બનશે, નવા પીરાણા ખાતે ૫૯૯ કરોડના ખર્ચે ૪૨૪ MLD ક્ષમતાનો  STP બનાવાશે 1 - image


અમદાવાદ,શુક્રવાર,25 ઓકટોબર,2024

અમદાવાદમાં ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામ કરવા વર્લ્ડ બેન્ક ફંડીગ અંતર્ગત રુપિયા ૫૯૯ કરોડના ખર્ચે  ગુજરાતમાં સૌથી વધુ ક્ષમતાનો ૪૨૪ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા  બનાવાશે. પ્લાન્ટ કાર્યરત થયા પછી અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારવા તથા સાબરમતી નદીમાં છોડાતા અનટ્રીટ પાણીનો પ્રશ્ન ઉકેલાવાની વકી છે. આ પ્રોજેકટ માટે  વિશ્વબેન્ક અંદાજિત ૭૦ ટકા રકમ આપશે.રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિ.તંત્ર પ્રોજેકટ ૧૫-૧૫ ટકા રકમ ભોગવશે.વિશ્વ બેન્ક વીસ વર્ષ માટે લોન આપશે.લોનનુ મુદ્દલ તેમજ વ્યાજનુ પેમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં હાલ ૫૦૫ ચોરસ કિલોમીટર વિસ્તાર આવેલો છે. પૂર્વ અમદાવાદમાં આવેલા નરોડા, ઓઢવ,રખિયાલ, ગોમતીપુર, ભાઈપુરા, બાપુનગર ઉપરાંત લાંભા,ઈસનપુર સહિતના વિસ્તારોમાંથી નવા પીરાણા ખાતે આવતા ડ્રેનેજના પાણીને નવા બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રાઈમરી અને સેકન્ડરી ટ્રીટ કરીને સાબરમતી નદીમાં છોડવાનુ આયોજન કરવામાં આવશે.નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયા પછી અંદાજે ૨૫ લાખની વસ્તીન તેનો લાભ મળશે.હાલમાં અમદાવાદ પૂર્વમાં આવેલા મોટાભાગના વોર્ડ વિસ્તારમાં ગટર ઉભરાવાની ફરિયાદ જોવા મળે છે ઉપરાંત સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વગર પાણી છોડાઈ રહયુ છે.વિશ્વબેન્ક તરફથી આ પ્રોજેકટ માટે મળનારી લોન પંદર વર્ષમાં રી પેમેન્ટ કરવાની રહેશે.આ પ્રોજેકટ માટે કરવામા આવેલા ટેન્ડરમાં અંદાજથી ૫૬.૨૭ ટકા ઓછુ આવેલ છે.

૧૫૧ કરોડના ખર્ચે જમાલપુર,શાહપુર,શાહીબાગમાં પાણી,ડ્રેનેજની નવી લાઈન નંખાશે

અમદાવાદ મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં શહેરના જમાલપુર ઉપરાંત શાહપુર અને શાહીબાગ વોર્ડમાં આવેલી વર્ષો જુની પાણીની લાઈનના કારણે પાણીમા પોલ્યુશન આવવાની સમસ્યાનો અંત લાવવા પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલી નવી લાઈન નાંખવા દરખાસ્ત મંજુર કરાઈ છે.જમાલપુર વોર્ડમાં રુપિયા ૩૮.૯૭ કરોડના ખર્ચે કામગીરી કરવા સિંગલ ટેન્ડરથી ક્રીશ્ના કન્સ્ટ્રકશનને, શાહપુર વોર્ડમાં રુપિયા ૭૫.૯૨ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર વી.સી.પ્રોજેકટ એન્ડ ઈન્ફ્રા પ્રા.લી.ને તથા શાહીબાગ વોર્ડમાં કામગીરી કરાવવવા માટે રુપિયા ૩૬.૨૫ કરોડના કોન્ટ્રાકટર  વી.સી.પ્રોજેકટ એન્ડ ઈન્ફ્રા પ્રા.લી.ના ટેન્ડરને કમિટીએ મંજુરી આપી હતી.


Google NewsGoogle News