સોમવારે મોડી રાત્રિએ આગ લાગી હતી , ગીતા મંદિર ખાતે લાટીબજારના ગોડાઉનની આગ છ કલાક બાદ બુઝાઈ

પ્લાયવુડ ઉપરાંત ઓફિસ ફર્નિચર સહિતબળીને ખાખ થઈ ગયા

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News

      સોમવારે મોડી રાત્રિએ આગ લાગી હતી , ગીતા મંદિર ખાતે લાટીબજારના ગોડાઉનની આગ છ કલાક બાદ બુઝાઈ 1 - image 

 અમદાવાદ, મંગળવાર,28 નવેમ્બર,2023

સોમવારે મોડી રાત્રિના ૧૨.૩૦ કલાકે ગીતા મંદિર ખાતે આવેલા દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગના ૧૮ જેટલા વાહનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા કામગીરી કરવામાં આવી હતી.સવારે છ કલાકે આગ કાબુમાં આવતા કુલિંગની કામગીરી કરાઈ હતી.ગોડાઉનમાં રાખવામાં આવેલ પ્લાયવુડ ઉપરાંત ઓફિસ ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગ ફટાકડાના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ ફાયર વિભાગ સૂત્રો દ્વારા આપવામાં આવ્યુ હતુ.ઘટનાને પગલે કોઈ ઈજા કે જાનહાની થઈ નહોતી.

ગીતા મંદિર ખાતે આવેલા લાટી બજારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.જમાલપુર અને મણીનગરના સ્ટેશન ઓફિસર ઉપરાંત ડીવીઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ તથા ફાયરના જવાનો સહિત કુલ પંચાવન લોકોના સ્ટાફ દ્વારા ૧૦ ગજરાજ, ૧ ટેન્કર, ૧ મીની ફાઈટર સાથે પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવા કામગીરી કરાઈ હતી.દરમિયાન આગના કારણે તાપમાન વધતા ગોડાઉનની છત ઉપર રહેલુ પતરુ ઉડીને નીચે સળગી રહેલા પ્લાયવુડ ઉપર પડતા ફાયરના સ્ટાફને ગોડાઉનની દિવાલમાં બાકોરુ પાડી  અલગ અલગ લાઈન બનાવી પાણીનો મારો ચલાવવો પડયો હતો.દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગેલી આગ નજીકમાં આવેલા ગોડાઉન સુધી ના પહોંચે એ બાબતની તકેદારી અમદાવાદ ફાયર વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી હતી.સવારે છ કલાકે આગ કાબુમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી.આગને કાબુમાં લેવા પાંચ લાખ લીટર પાણીનો વપરાશ ફાયર વિભાગને કરવો પડયો હતો.


Google NewsGoogle News