Get The App

છેલ્લી રીવ્યુ બેઠકમાં મ્યુ.કમિશનરે કહયુ, અમદાવાદ શહેરને સ્વચ્છ, ઢોરમુકત,દબાણમુકત રાખજો

સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહયુ છે, પરીક્ષા સમયે ધ્યાન રાખીને કામગીરી કરજો

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News

    છેલ્લી રીવ્યુ બેઠકમાં મ્યુ.કમિશનરે કહયુ, અમદાવાદ શહેરને સ્વચ્છ, ઢોરમુકત,દબાણમુકત રાખજો 1 - image 

  અમદાવાદ,બુધવાર,5 ફેબ્રુ,2025

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.થેન્નારસને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે છેલ્લી રીવ્યુ બેઠક કરી હતી.બેઠકમાં તેમણે શહેરને સ્વચ્છ,ઢોરમુકત અને દબાણમુકત રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ આગામી સમયમાં આવી રહયુ છે ત્યારે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને તેમણે પરીક્ષા સમયે ધ્યાન રાખીને કામગીરી કરવાની સલાહ આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર તરીકે બે વર્ષથી પણ વધુ સમય સુધી ફરજ બજાવનારા એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બુધવારે અંતિમ રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સી.એન.સી.ડી.વિભાગના અધિકારીઓને શહેરને ઢોરત્રાસમાંથી મુકત કરાવવા માટે અમલમાં મુકવામા આવેલી પોલીસીનો ઉલ્લેખ કરતા કહયુ, સી.એન.સી.ડી.વિભાગ હજુ વધુ પ્રયાસ કરે અને શહેરને ઢોરત્રાસમાંથી મુકત કરાવે. એસ્ટેટ વિભાગના અધિકારીઓને કહયુ, શહેરમાં હાલમાં પણ અનેક જાહેર રસ્તાઓ ઉપર દબાણ જોવા મળી રહયા છે.તમારુ પહેલુ લક્ષ્ય શહેરના તમામ ૪૮ વોર્ડના એકપણ જાહેર રસ્તા ઉપર દબાણ જોવા ના મળે એ મુજબનુ હોવુ જોઈએ. શહેર દબાણમુકત હશે અને સ્વચ્છ હશે તો શહેરની સુંદરતામાં વધારો થશે.સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓને કહયુ, આગામી દિવસોમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ માટે ટીમ આવશે. આ સમય તમારા માટે પરીક્ષાનો સમય છે. કેટલીક વખત પરીક્ષા આપવા પુરી તૈયારી કરી હોય છતાં પરીક્ષા સમયે કરેલી તૈયારી છતાં કેટલીક બાબત ભુલાઈ જતી હોય છે.આમ ના બને એ ખાસ ધ્યાન રાખજો. સ્વચ્છતા સર્વેક્ષણ માટે ટીમ આવી હોય અને એ સમયે જ શહેરમાં કોઈ જગ્યાએ ગંદકી કે કચરો હોય એવુ ના બનવુ જોઈએ.તમામ વિભાગોએ તેમની ક્ષમતા મુજબ કામગીરી કરી છે એમ મ્યુનિ.કમિશનરે કહેતા મ્યુનિ.ના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મ્યુનિ.કમિશનરને નવી જગ્યાએ પ્રમોશન સાથે પોસ્ટીંગ મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.


Google NewsGoogle News