ગ્રંથપાલના બજેટમાં વધારો કરાયો, મા.જે.પુસ્તકાલયનું ૧૮ કરોડનું બજેટ મંડળ દ્વારા મંજૂર કરાયું
પુસ્તકાલયમાં ગાંધી સાહિત્ય કોર્નર સહિતના આયોજન નકકી કરાયા
અમદાવાદ,શનિવાર,3 ફેબ્રુ,2024
મ્યુનિ.સંચાલિત મા.જે.પુસ્તકાલયનું વર્ષ-૨૦૨૪-૨૫ માટે
ગ્રંથપાલ દ્વારા રુપિયા ૧૭.૩૯ કરોડનું બજેટ રજૂ કરાયુ હતુ.આ બજેટમાં વ્યવસ્થાપક
મંડળ દ્વારા રુપિયા ૧.૩૫ કરોડનો વધારો કરી રુપિયા ૧૮.૭૪ કરોડનું બજેટ મંજૂર
કરવામાં આવ્યુ છે.
મેયરની અધ્યક્ષતામાં મા.જે.પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળની
બેઠક મળી હતી.મા.જે.પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયોમાં અદ્યતન ફાયર સિસ્ટમ કાર્યરત
કરવા રુપિયા ૪૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.ગાંધી સાહીત્ય કોર્નર બનાવવા રુપિયા
૨૦ લાખની ફાળવણી કરાઈ છે.પુસ્તકાલયના પરિસરમાં જી.આઈ.શેડ સાથે બેઠક વ્યવસ્થા
બનાવવા રુપિયા ૨૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.થીમબેઝ વોલ પેન્ટીંગ માટે રુપિયા ૧૦
લાખ તથા પરિસરમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે મ્યુઝીકલ ફાઉન્ટેઈન બનાવવા રુપિયા ૧૫
લાખની જોગવાઈ કરાઈ છે.ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન
માટેના કાર્યક્રમ માટે રુપિયા ત્રણ લાખ, વાચકો,કર્મચારીના હેલ્થ
ચેકઅપ માટે રુપિયા પાંચ લાખની ફાળવણી કરાઈ છે.સાહીત્યકારોની જન્મશતાબ્દી નિમિત્તે
કાર્યક્રમ કરવા રુપિયા પાંચ લાખ તથા લોકડાયરાના કાર્યક્રમ કરવા રુપિયા ત્રણ લાખની
રકમ ફાળવવામાં આવી છે.