મુખ્ય કચેરીઓનું વાર્ષિક વીજબીલ રુપિયા ૩૮ કરોડ, જગ્યાના અભાવે સોલાર સિસ્ટમ શકય નથી, AMC ને વીજ બીલમાં રાહત નહીં
મુખ્ય કચેરીના બી બ્લોકમાં વર્ષ-૨૦૧૨માં ૨૫ કિલોવોટ ક્ષમતા ધરાવતી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી
અમદાવાદ,શનિવાર,28
ડિસેમ્બર,2024
સૌર ઉર્જાને પર્યાવરણ બચાવવા માટે વિકલ્પના રુપમાં પ્રોત્સાહન
આપવાનો પ્રચાર-પ્રસાર કરાઈ રહયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીઓના
તથા સ્ટ્રીટલાઈટના વાર્ષિક વીજબીલ પેટે રુપિયા ૩૮ કરોડ ચૂકવવામાં આવે છે.મ્યુનિસિપલ
કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના બી બ્લોકમાં વર્ષ-૨૦૧૨માં ૨૫ કિલોવોટ
ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી.મુખ્ય કચેરીમાં આવેલા અન્ય બિલ્ડિંગમાં
સોલાર સિસ્ટમ ઈનસ્ટોલ કરવાની જગ્યાના અભાવે મ્યુનિ.તંત્રને વીજબીલમાં રાહત મળતી નથી.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની અનેક મિલકતો
આવેલી છે.આ મિલકતોમાં ઝોનલ,સબ ઝોનલ
ઓફિસ ઉપરાંત હોસ્પિટલો, અર્બન
હેલ્થ સેન્ટર, સિવિક
સેન્ટર જેવી મિલકતનો સમાવેશ થાય છે.એપ્રિલ-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ સુધીના એક વર્ષના
સમયમાં મ્યુનિ.ની મુખ્ય કચેરીનું વીજબીલ રુપિયા ૧.૯ કરોડ તેમજ ઝોનલ,સબઝોનલ કચેરી, દસ અર્બન હેલ્થ
સેન્ટર,સ્ટ્રીટ
લાઈટનું વીજબીલ રુપિયા ૩૮.૫૨ કરોડ ચૂકવવામાં આવતુ હોવાનો વિપક્ષનેતાશહેજાદખાન
પઠાણેે આક્ષેપ કર્યો છે.મ્યુનિ.તંત્રના લાઈટ વિભાગમાં એનર્જી ઓડીટ વિભાગ કાર્યરત
હોવાછતાં વીજબીલમાં ઘટાડો થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવતુ નથી.એન્વાયરમેન્ટ
ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ શહેરીજનો પાસેથી વસૂલ કરનારા વહીવટી તંત્ર અને સત્તાધારી
પક્ષે સોલાર સિસ્ટમ કે પેનાલ કાર્યરત કરી વીજબીલમાં ઘટાડો થાય એ માટેના પ્રયાસ
કરવા જોઈએ એવી માંગ કરી છે.નોંધપાત્ર બાબત એ છે કે, વર્ષ-૨૦૧૨માં રાજય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી
મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં આવેલા બી બિલ્ડિંગમાં ૨૫ કિલોવોટ ક્ષમતા
ધરાવતી સોલાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજ
વપરાશમાં ઘટાડો થઈ શકે એટલી ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ કાર્યરત કરવા મુખ્ય
કચેરીના પ્રાંગણમાં આવેલા અન્ય બિલ્ડિંગમાં જગ્યા નહી હોવાથી સિસ્ટમ લાગી શકે એમ
નથી એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મ્યુનિ.ઝોન કચેરીઓનું વાર્ષિક વીજબીલ કયાં-કેટલું?
ઝોન વીજબીલ(લાખમાં)
પશ્ચિમ ૨૧
દક્ષિણ ૧૫
ઉત્તર ૧૨
દ.પ. ૧૫
ઉ.પ. ૨૨
પૂર્વ ૧૪
સ્ટ્રીટલાઈટનુ વાર્ષિક વીજબીલ ૩૬ કરોડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરના વિવિધ વોર્ડ
વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરીનું વાર્ષિક વીજબીલ રુપિયા ૨૧ લાખ ચૂકવવામાં આવે
છે. આ ઉપરાંત દસ જેટલા અર્બન હેલ્થ સેન્ટરના વાર્ષિક વીજબીલ પેટે રુપિયા ૧૮ લાખ
તેમજ સ્ટ્રીટ લાઈટના વાર્ષિક વીજબીલ પેટે રુપિયા ૩૬.૫ કરોડ ચૂકવવામાં આવ્યા છે.