ટેન્ડરની મુદત પુરી થઈ ગઈ , અમદાવાદમાં બે લાખ સ્ટ્રીટ લાઈટની કામગીરી ખોરંભે પડવાની સંભાવના
કોન્ટ્રાકટર દ્વારા કામગીરી વધુ સમય કરવાનો ઈન્કાર,નવુ ટેન્ડર કરાશે,એડી.ઈજનેર
અમદાવાદ,શનિવાર,11 જાન્યુ,2025
અમદાવાદના ૪૮ વોર્ડમાં બે લાખથી પણ વધુ સ્ટ્રીટ લાઈટ માટેના
પોલ આવેલા છે.આ વીજપોલના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે આપવામાં આવેલો કોન્ટ્રાકટ
બીજી જાન્યુઆરીના રોજ પુરો થઈ ગયો છે.રોજ ૨૦૦ થી વધુ ફરિયાદ સ્ટ્રીટ લાઈટ બંધ
રહેવા અંગેની ફરિયાદ લાઈટ વિભાગ પાસે પહોંચે છે. આમ છતાં સ્ટ્રીટ લાઈટના પોલ માટે
અગાઉ જે કંપની પાસે કોન્ટ્રાકટ હતો એ કંપની સિટેલૂમ ઈન્ડિયા લિમિટેડદ્વારા કામગીરી
ચાલુ રાખવાનો ઈન્કાર કરી લાઈટ વિભાગને આ અંગે જાણ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.જો આ કોન્ટ્રાટકર કામ કરવા તૈયાર ના થાય તો શહેરના અનેક વિસ્તારમાં
અંધારપટ સર્જાઈ શકે છે.લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેરે બચાવની ભૂમિકામાં કહયુ, ટેન્ડર પ્રક્રીયા
શરુ કરી છે.
અમદાવાદના અનેક વોર્ડ
વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાના કારણે સ્થાનિક લોકો અને વાહન
ચાલકોને અંધારપટનો સામનો કરવો પડી રહયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
બીજી જાન્યુઆરી-૨૦૨૦ના રોજ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં આવેલા વીજપોલના ઓપરેશન
એન્ડ મેઈન્ટેનન્સ સાથેનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાકટ સિટેલૂમ ઈન્ડિયા લિમિટેડ
નામની કંપનીને આપવામાં આવ્યો હતો. મ્યુનિ.તંત્ર તરફથી કોઈપણ કામગીરી માટેનો
કોન્ટ્રાકટ પુરો થવાના છ મહીના અગાઉ નવા ટેન્ડર માટે પ્રક્રીયા શરુ કરી દેવામા
આવતી હોય છે.જેથી કરીને નવો કોન્ટ્રાકટ જે કોઈ કંપનીને આપવામા આવે તે સમયસર
કામગીરી શરુ કરી શકે.લાઈટ વિભાગ તરફથી પાંચ વર્ષ માટે આપવામા આવેલા કોન્ટ્રાકટ પછી
વધુ સમય કામગીરી કરવા કોન્ટ્રાકટરે લાઈટ વિભાગના જ એક અધિકારી દ્વારા કરવામા આવતી
હેરાનગતિના કારણે ઈન્કાર કરી કામગીરી બંધ કરવા અંગે લાઈટ વિભાગને જાણ કરી દીધી
હતી.આ અંગે લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેર નિનામાનો સંપર્ક કરતા તેમણે માત્ર એટલુ
જ કહયુ, સ્ટ્રીટ
લાઈટના વીજ પોલ સંદર્ભમાં નવુ ટેન્ડર કરવાની પ્રક્રીયા શરુ કરી દેવાઈ છે.શહેરમાં
અંધારપટ જેવી પરિસ્થિતિ નહીં સર્જાય.