Get The App

સફેદ એપ્રનમાં કાળો કારોબાર, ગુજરાતમાં નકલીની બોલબાલા, વર્ષમાં 10 બોગસ ડૉક્ટર ઝબ્બે

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
fake doctors


Fake Doctors In Gujarat: કોઈપણ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે એવી શ્રદ્ધા સાથે જતો હોય છે કે એ તેને પીડામુક્ત કરી દેશે, તેના દ્વારા આપવામાં આવેલી દવા પણ તે પૂરા વિશ્વાસ સાથે લેવા લાગે છે. પરંતુ આ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હોવાની ખબર પડે તો તે દર્દીને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં આ વર્ષે બોગસ ડોક્ટર ઝડપાવવાની 1-2 નહીં પણ 10 જેટલી ઘટના સામે આવી છે.

દસ્ક્રોઇના કુહા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે. ધી સહિતનો નકલી ખાદ્યપદાર્થ પકડાવવાની ઘટના છાસવારે સામે આવે છે. હવે નકલી વકીલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી ડોક્ટર પણ મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. તાજેતરની જ વાત કરવામાં આવે તો દસ્ક્રોઇ તાલુકાના કુહા ગામ ખાતે ઓમ ક્લિનિકમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા ડો. વિવેક યાદવને સ્થાને કોઈ બોગસ માણસ ડિગ્રી વિના જ આ ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે ગુજરાત મેડિકલ કમિશને ડો. વિવેક યાદવનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો હતો. 

બોગસ ડોક્ટરના આજીવન લાયસન્સ રદ કરવા માગ 

આવી જ રીતે જુલાઈ માસમાં બાવળા ખાતેથી નકલી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ હતી. આ નકલી ડોક્ટરોએ અત્યાર સુધીમાં કેટલાય લોકોના જોખમમાં મૂક્યા હશે તે મોટો સવાલ છે. આરોગ્ય સાથે ચેડાં રમતા આ નકલી ડોકર્ટરો સામે આજીવન કારાવાસ, તોતિંગ રકમનો દંડ વસૂલવા સહિતની માગ પ્રબળ બની છે. આ ઉપરાંત જે ડોક્ટર પોતાનું ક્લિનિક બોગસ વ્યક્તિને ચલાવવા સોંપતા હોય તેવા ડોક્ટર સામે માત્ર 6 મહિના નહીં પણ આજીવન લાયસન્સ રદ કરવા જેવા પગલા લેવાવા જોઈએ. 

આ પણ વાંચો: અમદાવાદમાં પણ રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામું


'ડોક્ટરની ડિગ્રી-લાયસન્સ ચકાસી લેવા જોઇએ'

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના પ્રમુખ ડો. મેહુલ શાહે જણાવ્યું કે, 'પ્રત્યેક દર્દી અને તેમના સ્વજને જેની પાસેથી દવા લઈ રહ્યા છે તે ડોક્ટરની ડિગ્રી-લાયસન્સ ચકાસી લેવા જોઇએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે પ્રત્યેક ડોક્ટર માટે પ્રિસક્રિપ્શનમાં લાયસન્સ નંબર લખવો ફરજિયાત છે. આ નિયમનું પાલન થાય છે કે કેમ ખાસ ચકાસાય એ છે. ફાર્મસિસ્ટ પણ ડોક્ટરના નામ વગરનું પ્રિસક્રિપ્શન આપે નહીં તેની તકેદારી રાખે. સરકાર લેભાગુ ડોક્ટરોને કડક સજા ફટકારે તેવી ઘણા વર્ષોથી અમારી માગ છે.'

ગુજરાતમાં નકલી ડૉક્ટર પકડાવવાના કિસ્સા

ઓક્ટોબર 2023: સુરતમાં એકસાથે 5 બોગસ ડોક્ટર ઝડપાયા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં રોજ 20થી 25 દર્દીઓને આ બોગસ તબીબો તપાસતા હતા.

જાન્યુઆરી 2024: 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો. 43 વર્ષ બાદ તેની કરતૂત સામે આવતા અમદાવાદની કોર્ટે 3 વર્ષની કેદ-રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

માર્ચ 2024: કેશોદની હોસ્પિટલમાં નકલી ગાયનેક ઝડપાયો. એક મહિલાના પેટની કોથળીનું કાઢવાનું ઓપરેશન કરવા જતાં યુરિનની કોથળીમાં ભૂલથી ટાંકા લઈ લેતાં તેનું કૌભાંડ સામે આવ્યું.

જુલાઇ 2024: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે નકલી ડૉક્ટર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા ઝડપાયો. હોસ્પિટલમાં દરોડો પડયો ત્યારે 5 દર્દી દાખલ હતા.

જુલાઇ 2024: રાજકોટ નજીકના ગામે દરોડો પાડી ધોરણ 8 પાસ નકલી ડોક્ટરને ઝડપી લઈ તેની પાસેથી દવા અને સાધનો મળી કુલ રૂ.10 હજારની મતા કબજે કરાયા હતા. તેની પૂછતાછ કરતાં તે ગામના લોકોને સારવાર આપતો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

સપ્ટેમ્બર 2024: જૂનાગઢ ખાતે ધોરણ 12 પાસ યુવાન ડિગ્રી વગર ડોક્ટર બન્યો. દુકાનમાં દવાખાનું ખોલીને દર્દીને ચકાસતો. એલસીબની તપાસમાં એન્ટિબાયોટિક્સ સહિતની દવાઓ પણ મળી આવી.

ઓક્ટોબર 2024: જેતપુરમાં વિજય ભાડેલિયા ડિગ્રી નહીં હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતાં ઝડપાયો, કિલનિકમાંથી રૂપિયા 27 હજારના મેડિકલ સાધનો જપ્ત કરાયા હતા.

સફેદ એપ્રનમાં કાળો કારોબાર, ગુજરાતમાં નકલીની બોલબાલા, વર્ષમાં 10 બોગસ ડૉક્ટર ઝબ્બે 2 - image


Google NewsGoogle News