સાવચેત રહેજો! નવરાત્રિમાં ક્યાંક ટેટૂનો ક્રેઝ ભારે ન પડે, ધ્યાન નહીં રાખો તો બીમારીના ભરડામાં ફસાઈ જશો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
સાવચેત રહેજો! નવરાત્રિમાં ક્યાંક ટેટૂનો ક્રેઝ ભારે ન પડે, ધ્યાન નહીં રાખો તો બીમારીના ભરડામાં ફસાઈ જશો 1 - image


Tattoo risks and precautions : ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રિને આડે હવે એક જ દિવસ બાકી છે. નોરતાં દરમિયાન ખેલૈયાઓના પારંપરિક વસ્ત્રો, મેકઅપ, સાજશણગારની તૈયારી અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન અનેક ખેલૈયાઓ ટેટૂ પણ કરાવતા હોય છે. પરંતુ, અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

શોખ બની જશે આફત!

આજના સમયમાં મોટાભાગના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળે છે. ફેશન સ્ટેટમેન્ટ સાથે, સોશિયલ મીડિયામાં વઘુ લાઇક્‌સ મેળવવા તેમજ એકબીજાની દેખા-દેખીમાં ટેટૂ બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શોખમાં બનાવેલા ટેટૂ ક્યારેક તમારા માટે આફત પણ બની શકે છે? નિષ્ણાત ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી શાહી અને સોયથી હેપેટાઇટિસ બી અને સી, એચઆઈવી ઉપરાંત કેન્સરનો ખતરો પણ પેદા થઈ શકે છે.

આ પણ વાંચોઃ નવરાત્રીમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઈડલાઈનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!

ટેટૂથી થઈ શકે છે આ ગંભીર બીમારી

ડૉક્ટરોના મતે ટેટૂ દોરાવવા માટે તમામ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’નો ચેપ લાગી શકે છે. ટેટૂ દોરાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી’ ફેલાવવાનો દર અંદાજે 3.30 ટકા છે. આ સાથે હિપેટાઇટિસને ફેલાવતા અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ દોરાવવા સખત સ્ટરિલાઇઝેશન પ્રોટોકોલ ખૂબ જરૂરી છે.

આ વિષય પર વધુ વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. રીમા જોશીએ જણાવ્યું કે, ‘ટેટૂ ક્યાં કરાવી રહ્યા છો તે ખૂબ જ મહત્ત્વનું છે. ટેટૂ આર્ટિસ્ટ કયા પ્રકારની શાહીનો અને કયા પ્રકારની સોયનો ઉપયોગ કરે છે તે ખાસ ચકાસી લેવું જોઇએ. ટેટૂની અમુક શાહીમાં કેટલાક ખતરનાક કેમિકલ હોય છે, જે કેટલીક ગંભીર બીમારી માટે જવાબદાર બની શકે છે. હલકી ગુણવત્તાની શાહી અને બીજા ઉપર અગાઉ ઉપયોગ થઈ ચૂકી હોય તેવી સોય દ્વારા ટેટૂ કરાવવાથી ભવિષ્યમાં હિપેટાઇટિસ, એચઆઇવી, ટીબી પણ થવાનું જોખમ રહે છે.’

આ પણ વાંચોઃ નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ,પણ ખેલૈયાઓના અરમાનો પર 'પાણી' ફરવાનું જોખમ

ટેટૂના આ રંગ બની શકે છે જોખમી

નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં ટેટૂ કાઢવા માટે ખાસ મશીન વસાવાયું છે. જેમાં અત્યાર સુધી અંદાજે 12 હજારથી વઘુ લોકોના ટેટૂ આ મશીનથી કાઢવામાં આવેલા છે. ટેટૂ કાઢવા વિશે હોસ્પિટલ દ્વારા જણાવાયું કે, હાલમાં મોટાભાગના ટેટૂ મશીનથી કરવામાં આવે છે અને તેમાં મલ્ટિ કલરનો ઉપયોગ થાય છે. લાલ અને લીલા કલરનો ઉપયોગ કરવામાં આવે તેવા ટેટૂ કાઢવામાં સરળ રહે છે, પરંતુ વાદળી અને પીળા રંગના ટેટૂ કાઢવા ખૂબ મુશ્કેલ બને છે. આ ટેટૂ કાઢ્યા બાદ સ્કીનમાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. 

ટેટૂ કાઢવાનું કારણ પ્રેમ પ્રકરણમાં ભંગાણ

યુવાનીની ઉંમરે પ્રવેશતાં જ કે કિશોરાવસ્થામાં અનેક લોકો પ્રેમી-પ્રેમિકાના નામનું ટેટૂ બનાવડાવે છે. પરંતુ અમુક સમય બાદ આ સંબંધ તૂટી જાય ત્યારે લગ્નજીવનમાં સમસ્યા નડે નહીં માટે અનેક લોકો ટેટૂ કઢાવવા માટે છે. આ ઉપરાંત કેટલીક નોકરીઓમાં પણ ટેટૂને માન્યતા ન હોવાથી લોકો ટેટૂ કઢાવવા માટે આવે છે. 


Google NewsGoogle News