Get The App

ખાનગી હોસ્પિટલોનો ખેલ! સરકારથી એક-દોઢ લાખ લેવાના, ખર્ચો માંડ અડધો અને નફો 50,000

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ખાનગી હોસ્પિટલોનો ખેલ! સરકારથી એક-દોઢ લાખ લેવાના, ખર્ચો માંડ અડધો અને નફો 50,000 1 - image


Khyati Hospital Controvorsy : છીંડે ચડ્યો તે ચોર. આ જુની કહેવત આજની તારીખે પણ સમાજ અને ક્રિમીનોલોજીમાં બંધ બેસે છે. બે વર્ષ પહેલાં એક મૃત્યુ ઢંકાઈ ગયું પણ બે મૃત્યુની ઘટનાએ ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાન ખુલ્લાં પાડી દીધાં. બે નિર્દોષ મૃતક નાગરિકોને સ્ટેન્ટ બેસાડનાર ખ્યાતિ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે આવતા ડો. પ્રશાંત વજીરાણી પોલીસના તાબામાં છે. 

ચોંકાવનારી બાબત એ છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ડો. વજીરાણી નિયમીતરૂપે ફરજ બજાવતાં નહોતાં પણ તેને જરૂરિયાત મુજબ કન્સલ્ટન્ટ તરીકે બોલાવવામાં આવતાં હતાં તેવી વિગતો પોલીસ તપાસમાં ખુલી ચૂકી છે. ડો. વજીરાણીને એક દર્દીની એન્જિયોગ્રાફી કરવા માટે રૂા. 1500 અને સ્ટેન્ટ લગાવવા એટલે કે એન્જિયોપ્લાસ્ટી કરવાના મહેનતાણાં તરીકે 10,000 રૂપિયા મળતાં હતાં. 

કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ડૉક્ટરો-હોસ્પિટલોની મિલીભગતથી આયોજનબદ્ધ કૌભાંડ

વર્ષ 2021થી ખ્યાતિ હોસ્પિટલમાં આ રીતે અનેક વખત જઈ દર્દીઓને સ્ટેન્ટ બેસાડી ચૂકેલાં ડો. વજીરાણીએ કુલ કેટલાં દર્દીની એન્જિયોગ્રાફી કરી કે સ્ટેન્ટ બેસાડ્યાં તેની તપાસ તો પોલીસ કરશે. પણ, સૌથી ચોંકાવનારી બાબત એ ખુલી રહી છે કે, ડો. વજીરાણી ઉપરાંત અન્ય ડોક્ટર્સ પણ ખ્યાતિ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે બોલાવવામાં આવતાં હતાં. મતલબ, નિષ્ણાત તરીકે ડેઈલી વેજીસ તરીકે કામ કરીને પૈસા કમાઈ લેવાનો નવો ભયજનક ટ્રેન્ડ ડોક્ટર્સમાં શરૂ થયો છે તો એરકન્ડીશન્ડ મોટી ઈમારત અને સુવિધાસભર રૂમો બનાવીને નર્સોની ફોજ ઉભી કરીને મોં માંગ્યા પૈસા વસુલવાનો જોખમી ટ્રેન્ડ ખાનગી હોસ્પિટલોએ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું, આરોગ્ય મંત્રી ગુજરાત પરત ફરશે

સૌથી ગંભીર વળાંક એ છે કે, અનેક ખાનગી હોસ્પિટલો મફતમાં મોત વહેંચી રહી છે અને એ પણ માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે. વિશ્વસ્ત સૂત્રોનું કહેવું છે કે, નાગરિકોને સારી સારવાર મળી રહે તેવા હેતુથી શરૂ કરવામાં આવેલી સરકારી યોજનાઓનો દુરૂપયોગ તબીબી ક્ષેત્રમાં વ્યાવસાયિકરણના પગલે ભયજનક રીતે વધી રહ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડ ચર્ચામાં છે ત્યારે હૃદયની બિમારીના દર્દીઓ શોધી કાઢવાના કારસ્તાનનો હિસાબ સમજવા જેવો છે. પી.એમ. જય યોજના અંતર્ગત એન્જિયોગ્રામથી માંડી સ્ટેન્ડ બેસાડવા માટે અલગ અલગ યોજનાઓ અંતર્ગત એકથી દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ ચૂકવવામાં આવે છે. દર્દીઓને  સારી અને સમયસર સારવાર મળી રહે તે માટે ઓનલાઈન સિસ્ટમ ધરાવતી આ યોજનામાં દર્દીને દાખલ કરવા સાથે જ ફાઈલ તૈયાર કરીને ખર્ચ મુકવામાં આવે છે. 

ખર્ચ ત્વરિત મંજુર કરવાની તાકીદનો ગેરલાભ લઈને સરકારી તંત્રમાં બેઠેલાં મળતિયાઓ  સાથે મળીને અમુક ખાનગી હોસ્પિટલો ગણતરીના કલાકોમાં જ સ્ટેન્ટ બેસાડ્યાનો એકથી દોઢ લાખનો ખર્ચ પોતાના ખાતામાં મેળવી લે છે. એક અંદાજ મુજબ, એક લાખ રૂપિયાનો ખર્ચ મંજુર થાય તેની સામે હોસ્પિટલોને માંડ અડધો એટલે કે 50,000 રૂપિયા જેટલી ખર્ચ થાય છે. 

આ પણ વાંચો: 'કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના પણ કાર્ડિયોગ્રામ કર્યા...' ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની કરતૂતો

ખ્યાતિ હોસ્પિટલની માફક કેમ્પો યોજીને અથવા એજન્ટો થકી દર્દી લાવવા માટે થતાં ખર્ચ ઉપરાંત હોસ્પિટલ સંચાલકે વિજળીક ગતિએ દર્દઓને સાગમટે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી આપતાં ડો. વજીરાણી જેવા કન્સલ્ટન્ટને માંડ 12થી 15,000 ચૂકવવા પડે છે. દર્દીને એક-બે દિવસ હોસ્પિટલમાં રાખવા પાછળ અને સ્ટાફનો ખર્ચ 10,000 રૂપિયા ઉપરાંત સ્ટેન્ટનો ખર્ચ વધીને 15થી ૩0 હજાર રૂપિયા થાય છે. બજારમાં જે ભાવે સ્ટેન્ટ મળે છે તેના કરતાં આવી હોસ્પિટલોને માંડ ૩0થી 40 ટકામાં જ સ્ટેન્ડ વેચનારાંની પણ સિન્ડીકેટ છે. 

આમ, ખાનગી હોસ્પિટલને એક દર્દી મેળવવાથી માંડીને સ્ટેન્ટ બેસાડવા સુધીનો કુલ ખર્ચ વધીને 50,000થી 60,000 આસપાસ થાય છે. બદલામાં પીએમ જય યોજના અંતર્ગત દર્દીના નામે ફાઈલ મુકીને એક લાખથી માંડીને દોઢ લાખ રૂપિયા સુધીની રકમ મેળવી લેવામાં આવે છે. આ રીતે હોસ્પિટલ સંચાલકો કેમ્પ કે એજન્ટ મારફતે મેળવેલા એક- એક દર્દીદીઠ રૂા. 50,000 આસપાસનો નફો રળી લે છે.

ખ્યાતિ કાંડ પછી ઉચ્ચ પોલીસ સૂત્રો અને આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, ડોક્ટરો અને હોસ્પિટલોની મિલીભગતથી નાગરિકોને ખરા અર્થમાં ઉપયોગી બને તેવી સરકારી યોજનાના નાણાંથી ગજવા ભરવાનું આયોજનબદ્ધ કૌભાંડ ચાલી રહ્યું છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, કોરોના કાળથી તબીબી સેવા એ વેપલો બની ગઈ છે અને ડો. વજીરાણીની માફક અનેક યુવા ડોક્ટર્સ લલચાઈ ચૂક્યાં છે. 

તો, બીજા વ્યવસાયની માફક જ હોસ્પિટલોને પણ ધંધો બનાવી ચૂકેલાં સંચાલકો માટે તો ડો. વજીરાણી કે અન્ય ડોક્ટર્સની ફોજ તૈયારી ઉભી છે. તબીબી ક્ષેત્રના વ્યાવસાયિકરણ સાથે ખાનગી હોસ્પિટલમાં કોઈપણ કન્સલ્ટન્ટને બોલાવવામાં આવે છે. આવા સમયે ફરી એક વખત જુની કહેવત તાજી થાય.... વર મરો, કન્યા પણ પણ મારૂં તરભાણું ભરો. પણ, ખ્યાતિ કાંડ જેવી સ્થિતિ સર્જાય ત્યારે ડો. વજીરાણીની માફક ડોક્ટરે પણ અફસોસ કરવો પડે કે.... મેં માત્ર કારકિર્દી અને પૈસાને પ્રાધાન્ય આપ્યું, મને બચાવે તેવા મિત્રો પણ નથી બનાવ્યાં. કમનસીબી એ છે કે, આ જીવલેણ ટ્રેન્ડથી લોકોને જીંદગી આપતાં ડોક્ટર્સ નિર્દોષોને મફતમાં મોત આપે છે.

આ પણ વાંચો: દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી

અનેક દર્દમાં ઓપરેશનના નામે સરકારી નાણાં ઓહિયાં કરવાના કૌભાંડ શોધવા ખાસ ટીમ બનાવવી જરૂરી

વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં સારવાર મફત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, અનેક ખાનગી હોસ્પિટલો માત્ર હૃદયના નહીં અન્ય દર્દોમાં પણ ઓપરેશનના નામે સરકારી નાણાં ઓહિયા કરવાનું રાજ્ય વ્યાપી આયોજનબદ્ધ કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા વેગવાન બની છે. હૃદયમાં બ્લોકેજ અને સ્ટેન્ટ બેસાડવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસ તપાસ કરે છે પરંતુ મેડિકલ ટેકનિકલ જાણકારીના અભાવે પોલીસે અનેક નિવેદનો સહિતની કામગીરી કરવી પડે છે. 

આ સંજોગોમાં રાજ્ય સ્તરે સરકારી નાણાં ઓહિયા કરવાના કૌભાંડમાં આરોગ્ય અને નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત મેડિકલનો અભ્યાસ કરવા સાથે પોલીસ ખાતામાં ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા અધિકારીઓની ખાસ ટીમ બનાવી વ્યાપક તપાસ કરાય તો જ સરકારના નાણાં બચે અને પ્રજાની જીંદગી સાથે ચાલતી રમત ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે.


Google NewsGoogle News