રેસ ડ્રાઈવિંગ ઉપર નિયંત્રણ લાવવા સિંધુભવન રોડ ઉપર બે સ્થળે મ્યુનિ. તંત્ર દ્વારા રંબલર સ્ટ્રીપ લગાવાયા
બેફામ ગતિથી વાહન હંકારનારાઓને રંબલર સ્ટ્રીપ અકસ્માત ઝોન અંગે ચેતવણી આપશે
અમદાવાદ, મંગળવાર, 9 એપ્રિલ, 2024
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર નબીરાઓ દ્વારા મોડી રાતે રેસ
ડ્રાઈવિંગ કરવામાં આવતુ હોય છે.રેસ ડ્રાઈવિંગ ઉપર નિયંત્રણ લાવવા ટ્રાફિક પોલીસ
અને મ્યુનિ.તંત્ર દ્વારા બે સ્થળે પીળા પટ્ટા લગાવવામાં આવ્યા છે.ગોટીલા ગાર્ડન
અને તાજ હોટલ નજીક અકસ્માતને ટાળવા રંબલર સ્ટ્રીપ લગાવવામાં આવ્યા છે.બેફામ ગતિથી
વાહન હંકારનારાઓને લગાવવામા આવેલા રંબલર સ્ટ્રીપથી આગળ અકસ્માત ઝોન હોવા અંગેની
ચેતવણી મળશે.
સિંધુભવન રોડ છેલ્લા ઘણાં સમયથી નબીરાઓ દ્વારા કરવામાં આવતા
રેસ ડ્રાઈવિંગને લઈ પંકાયેલો છે.મોડી રાતે સરદાર પટેલ રીંગ રોડથી લઈ પકવાન ચાર રસ્તા
સુધી સ્ટંટબાજી અને બેફામ સ્પીડથી વાહન હંકારવામાં આવતા હોય છે.આ પ્રકારે વાહન ચલાવનારાઓને
રોકવા શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા રંબલર સ્ટ્રીપ એટલે કે પીળા રંગના પટ્ટા લગાવવામા આવ્યા છે.નજીકના સમયમાં સિંધુભવન
રોડ ઉપર સ્ટંટબાજી કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા
સર્વે કરી મ્યુનિસિપલ તંત્રને જાણ કરવામાં આવી હતી.મ્યુનિ.ના ટ્રાફિક વિભાગના એડીશનલ
સિટી ઈજનેર પ્રેમલ શેઠે કહયુ,શહેરના રોડ
ઉપર જયાં ડેન્જર ઝોન હોય અથવા અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં પીળા રંગના પટ્ટા મારવામા
આવે છે.જેથી વાહન ચાલકને આગળ ચાર રસ્તા કે અકસ્માત ઝોન હોવાની જાણ થાય છે.સિંધુભવન
રોડ ઉપર આવનારા સમયમાં વધુ એક સ્થળે આ પ્રકારે પીળા રંગના પટ્ટા લગાવાશે.