તંત્ર સફાળુ જાગ્યું સિંધુભવન રોડ ઉપરના મલ્ટિલેવલ પાર્કીંગનો પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટ અપાશે
વાર્ષિક રુપિયા ૧૦.૯ લાખ અપસેટ વેલ્યુ, ૭ માર્ચે હરાજી કરવામાં આવશે
અમદાવાદ,શનિવાર,10 ફેબ્રુ,2024
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ત્રણ
ઝોનમાટે પાર્કીંગ પ્લાન બનાવવા પ્રપોઝલ મંગાવાઈ છે.દરમિયાન સફાળા જાગેલા
મ્યુનિસિપલ તંત્રે સિંધુભવન રોડ ઉપર રુપિયા ૧૯૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા
મલ્ટીલેવલ પાર્કીંગ માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી કોન્ટ્રાકટ આપવા કવાયત શરુ કરી
છે.વાર્ષિક રુપિયા ૧૦.૯ લાખ અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.
વર્ષ-૨૦૧૪માં રુપિયા ૨૩.૭૦ કરોડના ખર્ચથી શહેરના
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા સિંધુભવન રોડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ
કરવામા આવ્યો હતો.સિંધુભવન રોડ ઉપર ચાર માળનુ મલ્ટિલેવલ પાર્કીંગ બનાવવામા આવેલુ
છે.તંત્ર અને સત્તાધારી પક્ષ તરફથી નકકી કરવામાં આવેલી નિતી મુજબ,સિંધુભવન રોડ ઉપર
બનાવવામા આવેલા મલ્ટીલેવલ પાર્કીંગનો એક ફલોર થોડા મહિના અગાઉ એક જ પાર્ટીને
રુપિયા ૮૦ કરોડમાં આપી દેવામાં આવ્યો છે.૧૬૯ ટુ વ્હીલર તથા ૨૩૭ ફોર વ્હીલર પે એન્ડ
પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવવા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવશે.