સુપ્રિટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા રજૂઆત , Svp હોસ્પિટલમાં દર્દીએે ડિપોઝીટ ભર્યા બાદ સારવાર શરુ કરવામાં આવી
ભાજપના ધારાસભ્યે જ હોસ્પિટલની બેદરકારી તંત્ર સામે છતી કરી
અમદાવાદ,શનિવાર,20 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલના
સુપ્રિટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા એમ.પી.,એમ.એલ.એ.ની
સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્યે રજૂઆત કરી હતી.હોસ્પિટલ સત્તાવાળાઓએ
દર્દીને તાત્કાલિક સારવાર આપવાના બદલે જયાં સુધી ડિપોઝીટ ભરવામાં ના આવી ત્યાં
સુધી ૪૫ મિનીટ સુધી સારવાર શરુ ના કરી હોવાની રજૂઆત તંત્ર સમક્ષ કરતા
મ્યુનિ.હોસ્પિટલની બેદરકારી છતી થઈ હતી.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહે કહયુ,એસ.વી.પી.હોસ્પિટલમાં
૧૭ જાન્યુઆરીએ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રેણિક પોપટલાલ શાહ નામના દર્દીને લઈ જવાયા
હતા.હોસ્પિટલ સત્તાવાળા તરફથી તેમને સારવાર આપતા પહેલા ડિપોઝીટ ભરવા કહેવામા આવ્યુ
હતુ.૪૫ મિનીટ સુધી રકઝક ચાલ્યા બાદ રુપિયા ૧૭ હજાર ભરવામા આવ્યા બાદ દર્દીની
સારવાર શરુ કરવામાં આવી હતી.રાજય સરકાર દ્વારા પણ ગોલ્ડન અવર્સમાં રુપિયા પચાસ
હજાર સુધીની સારવાર વિનામૂલ્યે દર્દીને આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે.આમ છતાં
હોસ્પિટલ સત્તાવાળાની બેદરકારીથી દર્દીને ૪૫ મિનીટ સુધી સારવાર અપાઈ નહોતી.હોસ્પિટલમાં
આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય એ માટે રુપિયા પચાસ હજાર સુધીની
સારવાર વિનામૂલ્યે અપાતી હોવા અંગેનુ બોર્ડ પણ હોસ્પિટલમાં મુકવા તાકીદ કરી
હતી.શહેરમાં વધી રહેલા ગેરકાયદે બાંધકામનો ડ્રોનની મદદથી સર્વે કરી તેની
વિડીયોગ્રાફી કરવા તેમજ કોર્ટમાં તેને પુરાવા તરીકે રજૂ કરવા પણ સુચન કર્યુ
હતુ.પૂર્વના ધારાસભ્યો દ્વારા રાજય સરકારે અમદાવાદ મ્યુનિ.ને આપેલા તળાવ કે જયાં
દબાણ થયેલા ના હોય એ તળાવોને તાકીદે ડેવલપ કરવા રજૂઆત કરાઈ હતી.જમાલપુર-ખાડિયાના
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિ.દ્વારા સ્વચ્છતા સહિતની અન્ય બાબતો માટે
વસૂલાતા દંડમા અસમાનતા હોઈ દંડ વસૂલવા મામલે ચોકકસ પોલીસી બનાવવા રજૂઆત કરી હતી.