Get The App

રાજ્યવ્યાપી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ, ધ્રુવી એન્ટરપ્રાઈસની નોંધણી બાદ બીજા 13 રજિસ્ટ્રેશન મેળવી કરોડોની હેરાફેરી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
રાજ્યવ્યાપી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ, ધ્રુવી એન્ટરપ્રાઈસની નોંધણી બાદ બીજા 13 રજિસ્ટ્રેશન મેળવી કરોડોની હેરાફેરી 1 - image


Bogus input Tax Credit Scam : બોગસ ઇનપુર ટેક્સ ક્રેડિટ લેવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર હરેશ મકવાણાની ધ્રુવી એન્ટરપ્રાઇસ મુખ્ય પેઢી છે, જેના દ્વારા આ કરોડોની ટેક્સચોરીનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ પાન કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામાના આધારે બીજી પેઢીઓની નોંધણી કરી હોવાનું, આ પેઢીઓ વચ્ચે ખરીદ-વેચાણ માત્ર ચોપડે જ દર્શાવી ટેક્સ ચોરી થઈ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને નાણાંકીય લેવડ-દેવડ અંગે ફોરેન્સિક તપાસ થશે, તેના આધારે વધારે વિગતો ખૂલે એવી શક્યતા છે.

બીજીતરફ આ અનુસંધાનમાં આર્યન પ્રર્મોટર તરીકે નામ ખૂલ્યા બાદ ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડને માત્ર પૂછતાછ કરીને હાલમાં તેને છોડી મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેને ફરી બોલાવવામાં આવે તેવી સંભાવના છે. અજય બારડની સંડોવણીને કારણે આ કેસમાં રાજકીય દખલગીરી થવાની શક્યતાને નકારી શકાતી નથી. 

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માટે કામ કરનાર અમદાવાદના જોધપુર ગામ વિસ્તારમાં પેઢી ધરાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટ જિગર શાહને પણ પોલીસે પૂછતાછ કરી ત્યારે તેમણે દરેક કામ ડી.એ. એન્ટરપ્રાઈસના પ્રમોટરની સૂચનાથી જ કરી હોવાનું જણાવ્યું હતું. અન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવતાર સિંહને પણ ગુનાનું પગેરુ મેળવવા માટે પૂછપરછ કરવા બોલાવવામાં આવ્યા હતા.

રાજકોટ-સૌરાષ્ટ્રના વતનીઓ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં સૌરાષ્ટ્રના ગામડાંના લોકોના ઓળખના પુરાવાઓ મેળવીને તેમના ખાતાઓના માધ્યમથી આર્થિક વહેવારો કરવામાં આવ્યા છે. પરિણામે તેમણે ઉપયોગમાં લીધેલા પેમેન્ટના ગેટલા માધ્યમથી દરેક ખાતેદાર અને કૌભાંડના વિશાળફલકના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કૌભાંડના ઊંડાલ સુધી પહોંચવા માટે આરોપીઓ અને અટકાયતમાં લેવામાં આવેલી વ્યક્તિઓના મોબાઈના ડેટાની પણ ઊંડી ચકાસણી કરવામાં આવી રહી છે. ધ્રુવી એન્ટરપ્રાઈસના પ્રમોટર હરેશ મકવાણા છે. 

ધ્રુવી એન્ટરપ્રાઈસનો બનાવટી ભાડા કરાર પોર્ટલ પર અપલોડ કર્યો

આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ધ્રુવી એન્ટરપ્રાઈસની રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ધ્રુવી એન્ટરપ્રાઈસનો બનાવટી ભાડા કરાર બનાવીને જીએસટીના પોર્ટલ પર અપલોડ કરીને જીએસટી નંબર મેળવ્યો હતો. ધ્રૂવી એન્ટર પ્રાઈસનો જીએસટી નંબર મળી ગયા પછી બીજી 13 કંપનીઓના રજિસ્ટ્રેશન મેળવવામાંઆવ્યા હતા. 

13 કંપનીઓ મારફતે ઢગલાબંધ આર્થિક વહેવારો

આ 13 કંપનીઓમાં ઓમ કન્સ્ટ્રક્શન કંપની, કનકેશ્વરી એન્ટરપ્રાઈસ, રાજ ઈન્દ્રા, હરેશ કન્સ્ટ્રક્શન કંપની, ડી.એ.એન્ટરપ્રાઈસ, ઇથિરાજ કન્સ્ટ્રક્શન, ભી.જે. ઓડેદરા, આર.એમ.દાસા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્યન એસોસિયેટ્સ, પૃથ્વી બિલ્ડર્સ અને પરેશ પ્રદીપભાઈ ડોડિયાના નામે કંપનીઓ ઊભી કરી હતી. આમ 13 કંપનીઓ મારફતે ઢગલાબંધ આર્થિક વહેવારો બતાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ લીધી છે. સમદ જૈનમિયા કાદરીએ ધ્રુવી એન્ટર પ્રાઈસ નામથી ચાલતી અન્ટ બનાવટી કંપનીને ખરીદીને બારોબાર રૂ. 2  લાખ લઈને બીજાને વેચી દીધી હતી.

2022-23ના ગાળામાં બીજી 15થી 20 કંપનીઓ ખરીદી હતી

સમદ કાદરીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે 2022-23ના ગાળામાં બીજી 15થી 20 કંપનીઓ ખરીદી હતી. ફિરોજખાન ઉર્ફે પિન્ટુ પાસેથી આ કંપનીઓ ખરીદી હતી. એજાઝ માલદાર અને આદિલ ખોખરે ધ્રુવી એન્ટરપ્રાઈસ સલમા રફીક હમદાનીને વેંચી દીધી હતી. ડી.એ.એન્ટરપ્રાઈસના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી રુ. 17 લાખ, રૂ 6.50 લાખ અને રૂ. 14.75  લાખના ત્રણ આર્થિક વહેવારો થયા હતા. તદુપરાંત રૂ. 42.50  લાખનો બીજો એક વહેવાર પણ થયો હતો. હરેશ કન્સ્ટ્રક્શન કંપનીના ખાતામાંથી પણ આ જ રીતે લાખો રૂપિયાના મૂલ્યના ઢગલાબંધ નાણાંકીય વહેવારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.



Google NewsGoogle News