ગુજરાતમાં દિવ્યાંગ બાળકો માટે 3000 શિક્ષકોની જરૂર પણ ઉમેદવારો ઓછા? મામલો ક્યાં ગુંચવાયો
ભરતી જાહેરાત 3 હજાર જગ્યા માટે પરંતુ ટેટ-1 અને 2 પાસ ઉમેદવારો ખૂબ જ ઓછા
Special Educators Recruitment for disabled children in Gujarat : ગુજરાતમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં દિવ્યાંગ બાળકોને ભણાવતા સ્પેશ્યલ એજ્યુકેટર્સની 3 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રક્રિયા શરૂ કરાઈ છે. જો કે સરકારના નવા નિયમો મુજબ ટેટ-1 અને ટેટ-2 પાસ થયેલા ઉમેદવારો ખૂબ જ ઓછા હોવાથી ફરીવાર ટેટ પરીક્ષાઓ લેવી પડશે.
સ્પેશ્યલ એજ્યુકેટર્સ નિમવા માટે અરજીઓ મંગાવવામા આવી
રાજ્યની જીલ્લા પંચાયત હેઠળની સરકારી પ્રાથમિક સ્કૂલો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (કોર્પોરેશન) હેઠળની પ્રાથમિક સ્કૂલોમાં સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યાઓ ભરવા માટે અંતે સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે. વર્ગ-3ના સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટે સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ( પ્રા.શિક્ષણ પસંદગી સમિતિ) દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ધો.1થી 5માં જનરલની 950 સહિત 1861 જગ્યાઓ ભરાશે. જ્યારે ધો.6થી 8માં જનરલની 592 સહિત 1139 જગ્યાઓ ભરાશે. આમ સરકારી સ્કૂલોમાં દિવ્યાંગ બાળકોને ભણાવી શકે તેવા કુલ 3 હજાર સ્પેશ્યલ એજ્યુકેટર્સ નિમવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે અને અરજીઓ મંગાવવામા આવી છે.
ઉમેદવારો 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે
જે મુજબ ઉમેદવારો 19 ફેબ્રુઆરથી 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને 28મીએ સાંજ સુધી ફોર્મ કચેરી ખાતે જમા કરવાના રહેશે. સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે અને નવા નિયમો મુજબ ભરતી થનાર છે તેમજ સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટે પણ પ્રથમવાર ટેટ લેવામા આવી હતી. જેમાં ધો.1થી 5 માટે ટેટ-1 અને ધો.6થી 8 માટે ટેટ-2 લેવાઈ હતી. જો કે 3 હજાર જેટલી જગ્યાઓ સામે ટેટ- 1માં અને 1900 અને ટેટ-2માં 1800 જેટલા ઉમેદવારે પરીક્ષા આપી હતી અને જેમાંથી ખૂબ જ ઓછા ઉમેદવારો પાસ થયા છે.