શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર આજે નહીં સંભાળે, આ છે કારણ
આજે શક્તિસિંહ ગોહિલે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
શક્તિસિંહ ગોહિલે સાબરમતી આશ્રમથી પાલડી સુધી પદયાત્રા યોજી હતી
Image : Twitter |
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. જો કે આજે અમાસ હોવાથી શક્તિસિંહ પોતાનો ચાર્જ સંભાળશે નહીં. આજે શક્તિસિંહ ગોહિલે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેઓએ સાબરમતી આશ્રમથી પાલડી સુધી પદયાત્રા યોજી હતી જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
શક્તિસિંહ ગોહિલ આવતીકાલે જગન્નાથના આશિર્વાદ લેશે
ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલને પસંદ કરાયા બાદ તેની વરણી કરવામાં આવી હતી. જો કે આજે અમાસ હોવાથી પદભારનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આવતીકાલે તેઓ જગન્નાથના આશિર્વાદ લઈને પદભાર સંભાળશે. ગુજરાત કોંગ્રેસની કમાન હવે શક્તિસિંહ ગોહિલના હાથમાં રહેશે અને તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે. આજે શક્તિસિંહ ગોહિલ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીધા જ પ્રદેશ કાર્યલય જવા રવાના થયા હતા.
ભાજપમાં જનાર નેતાઓને લઈ શક્તિસિંહનું નિવેદન
આજે શક્તિસિંહ ગોહિલ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમા કોંગ્રેસના નેતા શા માટે પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેને લઈને મોટું નિવેદન આપ્યુ હતું. તેણે જણાવ્યુ હતું કે ED અને CBIની ધમકીઓના કારણે નેતાઓ કોંગ્રેસ છોડે છે અને આજકાલ કોંગ્રેસ છોડનાર છે તેમણે પણ મને ફોન કરીને વાત કહી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મજબૂર થઈને કોંગ્રેસને છોડી રહ્યા છે. અત્યારે જે ચાલે છે તેમા માણસના ધંધા રોજગાર પર તરાપ મારવામાં આવે છે તેમજ કોઈ નેતા કે કાર્યકર્તાના પરિવારનો સભ્ય સરકારી નોકરીમાં હોય તો કા તો તેની બદલી દૂર કરી દેવામાં આવે છે અને કા તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે. ખોટી રીતે ફરીયાદ કરીને જેલોમાં નાખવાની, પરિવારને ત્રાસ આપીને ધમકી આપવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યુ હતું. જો કે એક દિવસ કોંગ્રેસ છોડીને જનાર લોકો હિંમતપૂર્વક કોંગ્રેસમાં પાછા આવશે તેમ શક્તિસિંહે કહ્યું હતું.
શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર
શક્તિસિંહ ભાવનગરના રાજવી પરિવારના સભ્ય છે અને તેઓએ બીએસસી અને એલએલએમ તેમજ પત્રકારત્વનો ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે. શક્તિસિંહ વર્ષ 1986માં પહેલીવાર કોંગ્રેસના યુવા પ્રમુખ બન્યા હતા અને વર્ષ 1989માં ગુજરાત યુવા કોંગ્રેસના મહાસચિવ રહી ચુક્યા છે. આ ઉપરાંત વર્ષ 1990માં તે કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહ્યા હતા અને તે જ વર્ષે તે ભાવનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત સરકારમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિપક્ષી નેતાના પદ પણ સંભાળી ચૂંક્યા છે. કોંગ્રેસે તેમને વર્ષ 2014માં રાષ્ટ્રિય પ્રવક્તા બનાવ્યા હતા તેમજ વર્ષ 2018માં બિહારના પ્રભારી બનાવાયા હતા. ધારાસભ્ય બાદ તેઓ પહેલીવાર સાંસદ સભ્ય વર્ષ 2020માં બન્યા હતા. તેમનું મુળ વતન ભાવનગર હોવાથી પદગ્રહણ સમયે ભાવનગરથી મોટી સંખ્યામાં કાર્યકરો શક્તિસિંહને શુભેચ્છા પાઠવશે.