'શીંગના દાણા સમાન જાહેરાત', સરકારની કૃષિ સહાય પેકેજની જાહેરાતને લઈને કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા
Shaktisinh Gohil On Farmers Relief Package : તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઑગસ્ટમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના મુખ્ય પાકને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારની આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે.
સરકારની જાહેરાત શીંગના દાણા સમાન
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'ગુજરાત સરકારે આજે ખેડૂતો માટે નાની જાહેરાત કરી છે અને બૂમરાંગ એવી ફેલાવી છે કે, જાણે ખેડૂતોને માલામાલ કરી દીધા હોય. ગત ઑગસ્ટ મહિનામાં 350 કરોડની સહાયની જાહેરાત કરી, એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરી. જેમાં એક પણ ખેડૂતનું પિયત ના સ્વીકાર્યું. જ્યારે આજે જે જાહેરાત કરી છે એ માત્રને માત્ર શીંગના દાણા સમાન છે. ખરેખરે ખેડૂતોને એક લાખ કરોડ કરતાં પણ વધુનું નુકસાન થયું છે, ત્યારે આ સરકારે માત્ર નજીવી જાહેરાત કરી છે.'
આગામી દિવસોમાં કરાશે કિસાન પંચાયત
તેમણે કહ્યું કે, 'ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે, તાલુકે-તાલુકે આવેદનપત્રો આપીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં આગામી 25 તારીખે ઇન્ડિયા ગ્રૂપના સાથીઓ અને ખેડૂતો મળીને ‘કિસાન પંચાયત’ કરી રહ્યા છે. હું માંગ કરું છું કે, સરકાર ઉદાર હાથે ખેડૂતોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે. પાકવીમાના નામે પણ ખૂબ નુકસાન થયું છે, ત્યારે ગુજરાતને શા માટે પી.એમ. કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે?'
તેમણે કહ્યું 'આજે ખેડૂતો મોટી મુશ્કેલીમાં છે, ત્યારે સરકારે યોગ્ય વળતરને બદલે નાનકડી જાહેરાત કરીને છાપરે ચડીને પોકારવાનું બંધ કરે.. ભૂતકાળમાં જેના પિયત હોવા છતાં, તેના ફોર્મ ન સ્વીકારીને બહુ મોટું નુકસાન કર્યું છે. જેમાં 44000 મળવાની જગ્યાએ માત્ર 22000 રૂપિયા આપ્યા છે. જેની સરકાર ફેર વિચારણ કરે તેવી માગ કરું છે.'