સરકારી કર્મચારીઓના દેખાવો અંગે સવાલો પૂછતાં ઋષિકેશ પટેલ અચાનક પત્રકાર પરિષદમાંથી જતા રહ્યા
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગઈકાલે કર્મચારી પોતાની માંગને લઈને ધરણા પર ઉતર્યા હતા
અગાઉ અધ્યાપકો-શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી
Rishikesh Patel leaves Press Conference: ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે સરકારી કર્મચારીઓના દેખાવ અંગે સવાલો પૂછતાં અચાનક જ પત્રકાર પરિષદમાંથી જતા રહ્યા હતા. આ કારણસર મીડિયાના અનેક સવાલોના જવાબ મળ્યા ન હતા.
પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યા વગર જતા રહ્યા
વાત એમ છે કે, 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી નજીક અનેક કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતની માંગ મુદ્દે દેખાવો કર્યા હતા. આ કર્મચારીઓ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સભ્યો હતા. આ કારણસર સત્યાગ્રહ છાવણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. છેલ્લાં ઘણાં સમયથી કર્મચારીઓ 'હિત રક્ષક સમિતિ' નામે રચાયેલા સંગઠન હેઠળ વિરોધ કરી રહ્યા છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ઋષિકેશ પટેલને પત્રકારોએ સવાલ પણ કર્યા હતા, પરંતુ તેઓ જવાબ આપ્યા વિના અધવચ્ચેથી જ જતા રહ્યા હતા.
PM મોદીની યોજનાની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી
હકીકતમાં ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રૂ. 48 હજાર કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે.
કર્મચારીઓએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી
રાજયની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. જુની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામા આવી રહી છે. અગાઉ અધ્યાપકો-શિક્ષકો દ્વારા 14મી અને 16મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી.