Get The App

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, માગમાં 10 ટકાનો ઘટાડો કર્યો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Resident Doctors Strike


Ahmedabad Resident Doctors Strike: રાજ્ય આરોગ્ય વિભાગે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 20 ટકાનો વધારો કર્યો છે. 40 ટકા વધારો કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને લીધે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી છે. આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપ્યું હતું કે, મંગળવારે (3 સપ્ટેમ્બર, 2024) સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર થાઓ નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આજે હડતાલના બીજા દિવસે પણ ડોક્ટરોએ એકઠા થવાનું શરૂ કર્યું છે. જો કે, આજે રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં 30 ટકાનો જ વધારની માંગ કરી રહ્યા છે. 

બી.જે મેડિકલ કેમ્પસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં અન્ય સરકારી હોસ્પિટલોમાંથી ડોક્ટરોને બોલાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે જેથી દર્દીઓને હાલાકી ન પડે. ડોક્ટર દ્વારા સોમવારે (બીજી સપ્ટેમ્બર) સુધી સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજે 40 ટકાની જગ્યાએ 30 ટકાની માંગ કરવામાં આવી છે. એટલે કે, હવે બાકી રહેલો 10 ટાકા વધારો માંગીને હડતાલ શરૂ કરવામાં આવી છે. જો કે, ડોક્ટરોની આ જીદ સામે સરકાર પણ ઝૂકવા તૈયાર નથી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાટાઘાટો કરવાનું પણ ટાળવામાં આવી હતી.

હાલ બી.જે મેડિકલ કેમ્પસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં બીજે મેડિકલ કોલેજમાં 1 એસીપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 100થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવા સરકાર મક્કમ!

સૂત્રોના જણાવ્યાનુસાર, સરકારના આદેશને પગલે આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે કે, જો મંગળવારે સવારે 9 વાગ્યા સુધી ડોક્ટરો હાજર ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોના રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવા તૈયારી કરાઇ છે. આ ઉપરાંત જે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળમાં ભાગ લીધો છે તેમની ગેરહાજરી પૂરવા પણ આરોગ્ય વિભાગે સૂચના આપી દીધી છે. દર્દીઓના ભોગે વારંવાર હડતાળ પાડતાં રેસિડેન્ટ ડોક્ટરો સામે સરકાર કડક વલણ દાખવ્યુ છે. આ ઉપરાંત કોઇપણ ભોગે સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવા સરકાર મક્કમછે. 

આ પણ વાંચો: ધક્કા ખવડાવાતા AMCના ડે.મ્યુ.કમિ.ને હાજર થઇ હાઇકોર્ટની માફી માંગવી પડી

આરોગ્ય વિભાગનું કહેવુ છે કે, દર ત્રણ વર્ષે 40 ટકા સ્ટાઇપેન્ડ વધારો કરવાનો સરકારી ઠરાવ જ નથી. આ ઉપરાંત કરાર આધારિત પ્રોફેસરોનો પગાર રૂ.95 હજાર છે. જ્યારે રેસિડેન્ટ ડોક્ટરોનુ સ્ટાઇપેન્ડ રૂ.1.30 લાખ છે. સરકાર કોઇપણ ભોગે સ્ટાઇપેન્ડમાં વધારો કરવા તૈયાર નથી કેમકે, 20 ટકા સ્ટાઇપેન્ડ વધારો કરતાં જ સરકારી તિજોરી પર 122 કરોડ રૂપિયાનુ ભારણ આવ્યુ છે.

ડૉક્ટરોની હડતાળથી દર્દીઓ રઝળ્યા

ચોમસાની સિઝનમાં અનેક રોગો માથું ઊંચકતા હોય છે, જેના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે આવા સમયે રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી જતા અનેક દર્દીઓએ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં સરકાર દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો કરવાની જાહેત કરી હતી. જોકે તેનાથી રેસિડેન્ટ ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓએ પોતાના સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ફરી હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, માગમાં 10 ટકાનો ઘટાડો કર્યો 2 - image


Google NewsGoogle News