જન્માષ્ટમીએ ગુજરાતભરમાં થશે મેઘમહેર: આ સાત જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Rain


Heavy Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમી દરમિયાન ગુજરાતભરમાં મેઘમહેર થવાની સાથે આગામી સતત ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે. આજે (25 ઑગસ્ટ) ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે (26 ઑગસ્ટ) દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને 27 ઑગસ્ટે સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત આણંદ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ.

આ પણ વાંચો : રાજકોટમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ બેટમાં ફેરવાયા, સાતમ-આઠમના મેળાની મજા બગડી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, ત્યારે વલસાડના વાપીમાં 326 મિ.મી., કપરાડામાં 301 મિ.મી. અને પારડીમાં 300 મિ.મી., સુરતના ઉમરપાડામાં 280 મિ.મી., નવસારીના ખેરગામમાં 268 મિ.મી., વલસાડના ધરમપુરમાં 226 મિ.મી., મહેસાણાના વિજાપુરમાં 207 મિ.મી., વલસાડમાં 194 મિ.મી., તાપીના સોનગઢમાં 186 મિ.મી., વલસાડના ઉમરગામ 178 મિ.મી., છોટા ઉદેપુરમાં 176 મિ.મી., તાપીના વ્યારામાં 167 મિ.મી., સુરતના માંગરોળમાં 150 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

જન્માષ્ટમીએ ગુજરાતભરમાં થશે મેઘમહેર: આ સાત જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી 2 - image

રેડ એલર્ટ 

26 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ

આવતી કાલે (26 ઑગસ્ટ) રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘરાજા ધડબડાટી બોલાવશે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : VIDEO: ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

27 ઑગસ્ટની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે રાજ્યના સૌરાષ્ટ્રના જિલ્લામાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળશે, જેમાં અતિભારે વરસાદને પગલે કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી છ દિવસ ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

29 ઑગસ્ટની આગાહી

29 ઑગસ્ટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

30-31 ઑગસ્ટની આગાહી

30 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદને પગલે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 31 ઑગસ્ટે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમીએ ગુજરાતભરમાં થશે મેઘમહેર: આ સાત જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી 3 - image


Google NewsGoogle News